સુરતના કતારગામ વિસ્તારમાં વર્ષ 2017માં ટ્રેન ઉથલાવી પાડવાનો પ્રયાસ કરવાના ગુનામાં ભાગતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓરિસ્સાના ગંજામ જિલ્લા ખાતેથી પકડી પાડ્યો છે. આ આરોપી સામે વરાછા પોલીસ સ્ટેશનમાં NDPSના બે ગુનાઓ પણ નોંધાયા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા બાતમીના આધારે ઓરિસ્સાના ગંજામ ખાતેથી આરોપી સચિન ઉર્ફે દિલીપ પાંડી નામના ઇસમની ધરપકડ કરી છે. આ આરોપી સામે નવેમ્બર 2017માં ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો અને આરોપી 2017થી પોલીસથી બચવા ભાગતો ફરતો હતો.
જેમાં પોલીસે આરોપી દિલીપ પાંડીની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તેને કબુલાત કરી હતી કે, સુરતના અશ્વિનીકુમાર રોડ રેલવે પટરી પાસે ઝૂંપડપટ્ટી આવી છે અને આ ઝુપડપટ્ટીમાં ઓરિસ્સાવાસીઓ રહે છે. આ ઝૂંપડપટ્ટીમાં છૂટકમાં દારૂ અને ગાંજાનું વેચાણ થતું હોવાના કારણે પોલીસ દ્વારા અવાર નવાર ઝુંપડપટ્ટીમાં રેડ કરવામાં આવી આવે છે.ત્યારે આરોપી સચિન પાંડીએ પોતાની ધાક બેસાડવા માટે નવેમ્બર 2017માં રાત્રિના સમયે પોતાના મિત્રો તથા અન્ય રહીશો સાથે મળીને રેલવેના પાટા પર આવેલ લોખંડનો બાંકડો સુરતથી ઉતરાણ તરફ જતા રેલ્વે લાઈનના પાટા પર મૂકી દીધો હતો અને ટ્રેનને ઉથલાવાનો પ્રયાસ કર્યો હતો.
જેમા આરોપીની પૂછપરછ કરતા પોલીસને વધુ માહિતી મળી હતી કે, આરોપીએ પોતાના મિત્રો સાથે મળીને ઓક્ટોબર 2016માં 100 કિલો ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો અને તેને વરાછા અશ્વિનીકુમાર રોડ અશોકનગર ઝૂંપડપટ્ટીના રૂમ નંબર 111માં મુક્યો હતો. વરાછા પોલીસે આ જગ્યા પર રેડ કરીને ગાંજાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ નવેમ્બર 2016માં આરોપીએ 150 કિલો ગાંજાનો મુદ્દામાલ ગેરકાયદેસર રીતે મંગાવ્યો હતો અને અશોકનગર ઝુપડપટ્ટીમાં ન્યુ રબી ટેલર્સ ની બાજુમાં રૂમ નંબર 58માં ગાંજાનો મુદ્દામાલ સંતાડ્યો હતો.
પરંતુ વરાછા પોલીસે રેડ કરીને ગાંજાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી સામે NDPSનો ગુનો ફરી દાખલ થયો હતો. આમ આરોપી સામે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટના બે ગુના નોંધાયા છે અને કતારગામ પોલીસ સ્ટેશનમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો.