સુરત (Surat) શહેર અને જિલ્લામાં કોરોના (Corona Virus)ના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે ત્રીજી લહેરમાં સિવિલના તબીબો સહિતના 74 જેટલા સ્ટાફને પણ કોરોનાનું સંક્રમણ થઈ ચૂક્યું છે. જેમાંથી 27 ડોક્ટર સહિત 50 જેટલા અન્ય કર્મચારીઓ હાલ આઈસોલેશનમાં છે. આ આંકડો પણ બતાવે છે કે આગામી દિવસોમાં હજી પણ કોરોનાના કેસ વધવાનો ભય છે. જેને પગલે સિવિલ પ્રશાસન દ્વારા સરકાર પાસે 3,500 જેટલા વધારાના કર્મચારીની માંગણી કરવામાં આવી છે.
સિવિલમાં વધતા કોરોનાના કેસની સાથે મેન પાવરની અછતની બુમ પણ ઉઠવા પામી છે. જોકે પાછલા દિવસોમાં સિવિલ હોસ્પિટલમાં જે કર્મચારીઓ હતા, તેઓ કોન્ટ્રાકટ બેઈઝ પર હોવાથી વારાફરતી કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા હતા. સિવિલ તંત્રએ કર્મચારીઓને છુટા કરવામાં ઉતાવળ કરતા ફરી વધારાના કર્મચારીઓ માટે હવે ફરી સ્ટાફ માટે હાથ ફેલાવવાની નોબત આવી હોવાનો ગણગણાટ શરૂ થયો છે.
કોરોનાનું વધતું સંક્રમણ જોતા સિવિલ કેમ્પસમાં ત્રણેય હોસ્પિટલ જેમાં કોવિડ, કિડની અને જૂની હોસ્પિટલ બિલ્ડિંગમાં 1500 જેટલા બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જોકે ત્રીજી લહેર સામે લડવા માટે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, મૃતદેહ પેકિંગ કરનારો સ્ટાફ તેમજ દર્દીની સંભાળ રાખનારા કર્મચારી અને ફાયરમેન નથી.
તે જ પ્રમાણે 33 મેડિકલ ઓફિસર, 760 નર્સ, 190 પેરામેડિકલ સ્ટાફ, 460 વર્ગ-4 કર્મચારી, 39 ફાર્માસિસ્ટ, 8 બાયોમેડિકલ ઈજનેર, 117 ડેટા એન્ટ્રી ઓપરેટર, 16 ડ્રાઈવર, 5 કાઉન્સિલર, 149 સિક્યોરિટી ગાર્ડ અને 17 ઓક્સિજન ઓપરેટર ફરજ બજાવી રહ્યા છે.
હાલની પરિસ્થિતિ જોતા આગામી દિવસોમાં કોરોનાના કેસની સાથે સિવિલના તબીબો સહિતના કર્મચારીઓ પણ સંક્રમિત થવાનો ભય તબીબી અધિકારીઓને લાગી રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલના તંત્રએ વધારાના 160 સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર, 290 મેડિકલ ઓફિસર, 800 નર્સ, 98 પેરામેડિકલ સ્ટાફ, 1,250 વર્ગ-4 કર્મચારી, 36 ફાર્માસિસ્ટ, 16 બાયોમેડિકલ ઈજનેર, 25 મૃતદેહ પેકિંગ કરનારા કર્મચારી, 180 ડેટા એન્ટ્રી ઓપરેટર, 300 દર્દીની સંભાળ રાખનારા કર્મચારી, 12 ડ્રાઈવર, 60 કાઉન્સિલર, 240 સિક્યોરિટી ગાર્ડ, 27 ફાયરમેન અને 9 ઓક્સિજન ઓપરેટરની માંગણી કરી છે.
આમ, પહેલી અને બીજી લહેરના અનુભવને ધ્યાનમાં લઈને ફરી કોઈ અફરાતફરીનો માહોલ અને પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે સિવિલ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: Navasari: નગરપાલિકાએ વધારેલા વેરા સામે વેપારીઓમાં રોષ, વેરામાંથી મુક્તિ આપવાની માગ
આ પણ વાંચો: Rajkot: બે માસમાં 2,500થી વધુ ઢોર પકડ્યાનો કોર્પોરેશનનો દાવો, વિપક્ષે કામગીરી પર ઉઠાવ્યા સવાલ
Published On - 11:45 am, Sat, 15 January 22