Surat : UPSC ની પરીક્ષા માટે સુરતમાં સાત સેન્ટરો ફાળવાયા, 10 ઓક્ટોબરે યોજાશે પરીક્ષા
સુરત શહેરને યૂપેસ્ટ્સની પરીક્ષા માટે સાત સેન્ટર ફાળવવામાં આવતા હવે સુરત સહીત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના જિલ્લાઓમાંથી આવતા ઉમેદવારોને મોટી રાહત થશે.
સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના સરહદી જિલ્લાઓમાંથી યુપીએસસીની પરીક્ષા આપવા આવતા ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.સુરત શહેરને યુપીએસસીમાંથી સાત સેન્ટરોની મંજૂરી મળે તેવા અણસાર દેખાઈ રહ્યા છે. હવે શહેર સહીત દક્ષિણ ગુજરાતના ઉમેદવારોને યુપીએસસીની પરીક્ષા માટે ઘર આંગણે જ સેન્ટર મળશે.
સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા માટે સુરતને સેન્ટર મળે તે માટે દિલ્હીથી એક ટિમ આવી હતી. ત્રણ સભ્યોની આ ટીમે સુરત શહેરના સાત જેટલા સેન્ટરો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. યુપીએસસીની ટીમે એક બેઠક યોજી હતી. જેમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
સુરત શહેરમાંથી 2016 જેટલા ઉમેદવારોએ લોકસેવાની પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે. આજે યુપીએસસીની આ ટિમ નક્કી કરેલા સાત સેન્ટરોની પણ મુલાકાત લેશે અને ત્યારપછી આ સેન્ટરને મંજુર કરશે. આગામી 10 મી ઓક્ટોબરના રોજ યુપીએસસીની પરીક્ષા યોજાવાની છે. જેની પ્રિલિમ્સ એક્ઝામ માટે આખા ભારતમાંથી 11.50 લાખ ઉમેદવારો નોંધાયા છે. યુપીએસસની મેઈન એક્ઝામ માટે પણ સુરત શહેરને સેન્ટર મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
યુપીએસસીની ટીમે સુરત શહેરમાં હવે કાયમી ધોરણે આ સેન્ટર આપવાની પણ હૈયા ધરપત આપી છે. સુરત સહિત ગુજરાતમાં પણ ભવિષ્યમાં જો યુપીએસસી મેઇન્સની ડિમાન્ડ વધશે તો તે માટે પણ સુરત શહેરને સેન્ટર આપવામાં આવશે તેવા પ્રયાસો કરવામાં આવશે. હાલ જે સાત સેન્ટરોની પસંદગી કરવામાં આવી છે તે આ મુજબની છે.
1). ગર્લ્સ પોલિટેક્નિક કોલેજ, અઠવાગેટ 2). ગાંધી પોલીટેકનિક કોલેજ, મજૂરાગેટ 3). સર કેપી કોમર્સ કોલેજ, અઠવાગેટ 4). સર પીતી સાયન્સ કોલેજ, અઠવાગેટ 5). એમટીબી આર્ટસ કોલેજ, અઠવાગેટ 6). એસ.વી.એન.આઈ.ટી. પીપલોદ 7). સરકારી ગાંધી એન્જીનીયરીંગ કોલેજ, મજૂરાગેટ
આમ હવે સુરતને આ સેન્ટર ફાળવાતા સુરત, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી જિલ્લાઓમાંથી આવતા ઉમેદવારો માટે આ મોટી રાહત બની રહેશે. નોંધનીય છે કે અત્યાર સુધી આ સેન્ટરોની સંખ્યા ખુબ ઓછી હતી તેમજ જેટલા પણ સેન્ટર ફાળવવામાં આવતા હતા તેમાં સુરતના અને જિલ્લાના ઉમેદવારોને દૂરના સેન્ટરો સુધી પરીક્ષા આપવા માટે જવું પડતું હતું. પણ હવે સુરતના 7 સેન્ટરોની પસંદગી કરાતા વિદ્યાર્થીઓ માટે તે સરળ બની રહેશે.
આ પણ વાંચો :