
સુરતના બારડોલીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જવાનું કહીને ગયેલી યુવતીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જો કે યુવતીના મૃતદેહ કેસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બારડોલી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે યુવતીએ આપઘાત નહીં, તેની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ હત્યા પાછળનું કારણ પ્રણય ત્રિકોણ હોવાનુ સામે આવ્યુ છે.
યુવતીના મૃતદેહ પાસેથી પોલીસને મળેલા મોબાઇલની તપાસમાં જે હકીકત સામે આવી, તે ચોંકાવનારી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ઉર્વશી ચૌધરીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જોકે ખેડબ્રહ્મામાં અભ્યાસ દરમિયાન યુવતીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બસ આ યુવકને યુવતીના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ મંજૂર ન હોવાથી તેની હત્યાનો કારસો રચાયો હતો.
મૃતક ઉર્વશીને તેના જ નજીકના સંબંધીએ તાપી કિનારે મળવા બોલાવી હતી. જ્યાં અગાઉથી હાજર પ્રથમ પ્રેમી અને સંબંધી યુવકે ઉર્વશીને ઉધરસની દવામાં ઝેર આપીને બેભાન કરી હતી. ઉર્વશી બેભાન થયા બાદ બંને યુવકોએ ગળે ફાંસો આપીને તેની હત્યા કરી નાખી હતી. જોકે કોઇને શંકા ન જાય તે માટે આરોપીઓએ લાશને બાવળના ઝાડ સાથે લટકાવીને, હત્યાને આપઘાતમાં ખપાવી દેવાનો પ્રયાસો કર્યો હતો. જોકે આરોપીઓના ઇરાદા પાર પડે તે પહેલા જ પોલીસે હત્યાના ષડયંત્રનો પર્દાફાશ કરી નાખ્યો છે.
મહત્વપૂર્ણ છે કે 10 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલી યુવતીનો ગળેફાંસો ખાધેલી હાલતતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે પછી મહુવાના પૂણા ગામની આ યુવતી હોવાનું સામે આવ્યું હતું. યુવતીના મૃતદેહ પાસેથી, તે બીએડ કરતી હોવાના પુરાવા મળ્યા હતા અને તેનો ફોન ફ્લાઇટ મોડ પર હતો. યુવતીના મોબાઈલ પર 80 થી 85 મિસ્કોલ આવ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…