આજના સમયમાં પણ માનવતા મરી પરવારી નથી. જેનું ઉદાહરણ સુરતમાં (Surat) જોવા મળ્યુ છે. સુરતમાં ઘણી એવી સંસ્થાઓ છે, જે નિરાધાર, નિઃસહાય અને દુઃખી લોકોની મદદ માટે રાત દિવસ સેવાનું કાર્ય કરે છે. ત્યારે સુરતના કામરેજ તાલુકામાં પણ માનવ સેવાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અસ્થિર મગજની ગર્ભવતી મહિલાને (Pregnant women) આશીર્વાદ માનવ મંદિર સંસ્થાએ આશરો આપ્યો છે. આશીર્વાદ માનવ મંદિર સંસ્થાએ તેના નામના વાસ્તવિક અર્થને ચરિતાર્થ કરી બતાવ્યો છે.
સુરતના કામરેજ તાલુકાના નેશનલ હાઇવે નંબર-48 પર ધોરણ પારડી ગામનું આશીર્વાદ માનવ મંદિર તેના નામ પ્રમાણે ખરા અર્થમાં કામ કરી રહ્યું છે. શારીરિક ખોડખાંપણ, મંદ બુદ્ધિ, પ્રજ્ઞા ચક્ષુ તેમજ પરિવારના તમામ વારસદાર ગુમાવી ચુકેલા નિ:સહાય લોકો માટે આશ્રય સ્થાન બની રહ્યું છે. તેણે એક માનસિક અસ્થિર મગજની ગર્ભવતી મહિલાની મદદ કરી છે અને તેને આશરો આપ્યો છે.
અગાઉ માનવતાની અસ્મિતા રૂપ ગરિમાને લજવી નાખતો એક કિસ્સો બહાર આવ્યો હતો. જેમાં વડોદરાના ડભોઇની અસ્થિર મગજની મહિલાને કોઈ અજાણ્યા નરાધમે ગર્ભવતી બનાવી દીધી હતી. આ મહિલાને હાલમાં નેશનલ હાઇવે નંબર-48 પર ધોરણ પારડી ખાતે આવેલા માનવ મંદિર સંચાલિત આશીર્વાદ માનવ મંદિરમાં આશરો આપવામાં આવ્યો છે.
આશીર્વાદ માનવ મંદિર સંસ્થા અસ્થિર મગજની ગર્ભવતી મહિલાની વહારે આવી છે. અંદાજીત છ માસથી વધુના સમયગાળાનો ગર્ભ ધારણ કરેલી એ મહિલાને આશીર્વાદ માનવ મંદિરમાં આશ્રય આપી તેની તમામ જવાબદારી સંસ્થાના સંચાલકો દ્વારા ઉપાડવામાં આવી હતી.
ધોરણ પારડી ખાતે આવેલું આશીર્વાદ માનવ મંદિર ખરેખર તેના વાસ્તવિક અર્થને ચરિતાર્થ કરતું સાબિત થાય છે. ગર્ભવતી મહિલાનું નામ રવિયા શબીર ખલીફા જે સુરત ખાતેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભટકી રહી હતી. દરમ્યાન મહિલા સખી વન સ્ટોપ સંસ્થા દ્વારા ધોરણ પારડી ખાતે આવેલા આશીર્વાદ માનવ મંદિરના સંચાલકનો સંપર્ક કરી મહિલાને હેમખેમ પહોંચાડવામાં આવી હતી.
આ સંસ્થાએ આ મહિલાની જવાબદારી ઉપાડી છે. હાલ તેની દેખરેખ આ સંસ્થામાં જ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં આ મહિલાની ઓળખ માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જો કોઈ આ મહિલાને ઓળખતું હોય તો તેઓને નજીકના પોલીસ મથકનો સંપર્ક સાધવા પણ અપીલ કરવામાં આવી છે.