Surat :સુરતમાં ટ્રેનમાં, બસમાં રાહદારીઓ સાથે મિત્રતા કરી બાદમાં તેઓના ઘરે જઈ ચા-પાણીમાં ઘેનની ગોળીઓ નાખી ચોરી કરતા બે ઇસમોને સુરત ક્રાઈમ બ્રાંચની(Crime Branch) ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 9 મોબાઈલ અને બે બાઈક મળી કુલ 1.21 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને બે ગુનાના ભેદ પણ ઉકેલયા છે.
સુરતમાં ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે જહાંગીરપુરા બ્રિજ પાસેથી આરોપી યાસીન ઉર્ફે સમીર મોહમદ વોરા અને યશરાજ ઉર્ફે રાજુ રમેશકુમાર વ્યાસ ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બે બાઈક તેમજ અલગ અલગ કંપનીના 9 મોબાઈલ મળીને કુલ 1.21 લાખની મત્તા કબજે કરી હતી.
પોલીસ તપાસમાં ગોડાદરા પોલીસ મથકમાં ઘેનની ગોળી ખવડાવી ચોરી કરવા અંગેનો નોંધાયેલા ગુનાનો ભેદ તેમજ બેંગાલુરું સીટીમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. વધુમાં ઝડપાયેલા આરોપી યાસીન ઉર્ફે સમીર સામે ભૂતકાળમાં રાંદેરમાં 1 ગુનો જયારે યશરાજ ઉર્ફે રાજ વ્યાસ સામે ઉમરા, અઠવા અને પુણાગામ પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે
પોલીસે જણાવ્યું હતું કે યશરાજ ઉર્ફે રાજુ બસ, ટ્રેનમાં મુસાફરી દરમ્યાન રાહદારીઓ સાથે મિત્રતા કેળવી પોતાના ખોટા નામ જણાવી તેઓના મોબાઈલ નંબર મેળવી લેતો હતો અને બાદમાં તેઓ જે શહેરમાં રહેતા હોય ત્યાં કામ માટે આવ્યો હોવાનું જણાવી તેઓના રહેઠાણ પર જાય છે.
ત્યાં મોકો જોઈ ચા-પાણીમાં ઘેનની ગોળી નાખી દઈ બેભાન કરી રોકડા રૂપિયા, મોબાઈલ અને ગાડી ચોરી કરે છે. અને તે ચોરી કર્યા બાદ ગાડી અને મોબાઈલ ફોન આરોપી યાસીન ઉર્ફે સમીરને વેચાણ કરવા માટે આપે છે. હાલ તો પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.