Surat: હીરા વેપારીઓને કરોડોનો ચૂનો લગાવનાર હીરા દલાલની ધરપકડ, પોલીસે 1 કરોડ 17 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

Surat: વરાછામાં હીરા વેપારીઓના કરોડોના હીરા લઈ ભાગી જનાર હીરા દલાલની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 1.15 કરોડના હીરા, 2.47 લાખ રોકડા અને 3 મોબાઈલ સહિત કુલ 1 કરોડ 17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Surat: હીરા વેપારીઓને કરોડોનો ચૂનો લગાવનાર હીરા દલાલની ધરપકડ, પોલીસે 1 કરોડ 17 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
| Edited By: | Updated on: Aug 10, 2023 | 10:24 PM

Surat: સુરતના વરાછામાં હીરા વેપારીઓનો હીરાનો માલ લઈને ભાગી જનાર હીરા દલાલને ઝડપી લેવામાં આવ્યો છે. વરાછા પોલીસની ટીમે રાજસ્થાનના પુષ્કર ખાતેથી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી 1.15 કરોડના હીરા, રોકડા રૂપિયા 2.47 લાખ તથા 3 મોબાઈલ ફોન મળી કુલ 1 કરોડ 17 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો

હીરા દલાલ 1.55 કરોડના હીરા લઈ થઈ ગયો હતો ફરાર

સુરત શહેર હીરા નગરી તરીકે વિશ્વમાં ખ્યાતી પામ્યું છે. સુરતમાં મોટાપાયે હીરાનો વ્યવસાય થાય છે. તો બીજી તરફ હીરા વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ થતી હોવાની ફરિયાદો પણ પોલીસ ચોપડે નોંધાતી હોય છે. આવો જ એક બનાવ વરાછા પોલીસ મથકે નોંધાયો હતો. જેમાં સુદામા ચોક ઓબીસી સર્કલ પાસે રહેતો અને હીરા દલાલ તરીકે કામ કરતો આરોપી હર્ષિતભાઈ ઉર્ફે હરીભાઈ ભરતભાઈ પોપટભાઈ વિરાણી 10 જેટલા હીરા વેપારીઓના હીરા તથા હીરા વેચાણના નાણા પરત ન કરી કુલ 1.55 કરોડના હીરા મિનીબજાર સ્થિત સેફમાંથી લઈને ફરાર થઇ ગયો હતો. આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

આરોપી પાસેથી કુલ 1.17 કરોડનો મુદ્દામાલ જપ્ત

આ બનાવને લઈને વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપી પોતાના ઘરેથી મોબાઈલ ફોન બંધ કરીને નાસી ગયો હતો. તો બીજી તરફ આરોપીને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી. દરમ્યાન આરોપી રાજસ્થાનના પુષ્કર ખાતે ફરી રહ્યો હોવાની માહિતી મળતા પોલીસની એક ટીમ રાજસ્થાનના પુષ્કર ખાતે ગઈ હતી અને અહીંથી હોટેલમાંથી આરોપી હર્ષિતભાઈ ઉર્ફે હરીભાઈ ભરતભાઈ પોપટભાઈ વિરાણીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 1.15 કરોડના હીરા, રોકડા રૂપિયા 2.47 લાખ તથા 3 મોબાઈલ ફોન મળી કુલ 1 કરોડ 17 લાખ 54 હજારનો નો મુદામાલ જપ્ત કર્યો હતો.

હીરા દલાલે 10 હીરા વેપારીઓને લગાવ્યો ચુનો

બનાવ અંગે ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે બનાવ ગત ચોથા મહિનામાં સામે આવ્યો હતો. આરોપી હીરા દલાલ તરીકે કામ કરતો હતો અને તે 10 જેટલા હીરા વેપારીઓના હીરા લઈને ફરાર થઇ ગયો હતો. આ મામલે વરાછા પોલીસ મથકમાં ગુનો નોધાયો હતો. આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી અને આરોપીને રાજસ્થાનના પુષ્કર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Surat: ભાજપ પત્રિકાકાંડમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, ત્રણેય આરોપીઓની ફરીથી ધરપકડ કરી, જુઓ Video

અગાઉ આરોપીને ઝડપવા માટે દિલ્હી અને મુંબઈમાં પણ તપાસ કરવામાં આવી હતી જેમાં દિલ્હીમાં 13 દિવસ અને મુંબઈમાં 7 દિવસ અને આખરે રાજસ્થાનના પુષ્કરમાંથી 7 દિવસ રોકાઈને આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે તેની પાસેથી 1.15 કરોડના હીરા, રોકડા રૂપિયા 2.47 લાખ તથા 3 મોબાઈલ ફોન મળી કુલ 1 કરોડ 17 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો