સુરતની(Surat)યેન કેન પ્રકારે વિવાદમાં રહેતી ગજેરા વિદ્યાભવન(Gajera Vidhya bhavan)આજે વાલીઓ અને સંચાલકો વચ્ચે વધુ એક વિવાદને પગલે ચર્ચાનું કેન્દ્ર બનવા પામ્યું છે. શાળામાં અભ્યાસ કરતાં બાળકોના લિવીંગ સર્ટિફિકેટ (School Leaving) લેવા માટે પહોંચેલા મોટી સંખ્યામાં વાલીઓ પાસેથી સંચાલકો દ્વારા વધારાની ફી માંગવામાં આવી હોવાના આક્ષેપ સાથે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેને પગલે શાળા સંચાલકો દ્વારા શાળાના મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી વિવાદ પર ઢાંકપિછોડો કરવામાં આવ્યો હોવાની ચર્ચા પણ ઉઠવા પામી હતી.આજે ઉત્રાણ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં વાલીઓ અને સંચાલકો વચ્ચે વધારાની ફી મુદ્દે વિવાદ વકર્યો હતો. શાળામાં અભ્યાસ કરતાં બાળકોના એલસી લેવા માટે પહોંચેલા વાલીઓ પાસેથી વધારાની ફી માગતા વાલીઓ વિફર્યા હતા.
શાળા દ્વારા અગાઉ નિર્ધારિત કરવામાં આવેલ ફી ભરપાઈ કરી દેવામાં આવી હોવા છતાં એલસી માટે પહોંચેલા વાલીઓએ વધારાની ફી આપવાનો ધરાર ઈન્કાર કરીને સંચાલકોના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. જેને પગલે એક તબક્કે શાળામાં વાતાવરણ ઉગ્ર બની જવા પામ્યું હતું.
બીજી તરફ અગાઉ પણ વિવાદનું કેન્દ્ર બનેલી ગજેરા વિદ્યાભવનના સંચાલકો દ્વારા આ મુદ્દે મગનું નામ મરી પાડવાને બદલે શાળાનો મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો હતો અને વાલીઓને એલસી માટે વધારાની ફી ભરવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ 50થી વધુ વાલીઓએ વધારાની ફી ભરવાનો ધરાર ઈન્કાર કરી દીધો હતો.
નોંધનીય છે કે ખાનગી શાળાઓ દ્વારા ફી ની બેફામ રીતે કરવામાં આવતી લૂંટ બાબતે સરકાર દ્વારા FRC કમિટી બનાવવામાં આવી હતી. જે આ ફી નું નિરીક્ષણ કરીને વાલીઓને તેમાં રાહત આપી શકે.જો કે ફી રેગ્યુલેટરી કમિટી પણ માત્ર મજાક બનીને રહી હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે હજી પણ શાળા સંચાલકો દ્વારા બેફામ રીતે ફી ઉઘરાવીને વાલીઓને રીતસરના લૂંટવામાં આવી રહ્યા છે. જેનું આ એક ઉદાહરણ છે.
આ પણ વાંચો : Bhavnagar: રશિયા યુક્રેન યુદ્ધની માઠી અસર ભારતીય યુવાઓ પર પડી, મેડિકલનો અભ્યાસ હવે કયાં પૂરો કરશે?
Published On - 4:15 pm, Wed, 23 March 22