સુરતમાં 8 મહિનાની સગર્ભા મહિલાની બસ સ્ટેન્ડના શૌચાલયમાં ડિલિવરી કરવાની ફરજ પડી હતી. સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડના શૌચાલયમાં ગયેલી મહિલાની પ્રસવ પીડા ઉપડી હતી અને બાળક બહાર આવી ગયુ હોવાથી 108ને જાણ કરવામાં આવી હતી. મહિલાની સ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ હતી અને બાળક અડધુ બહાર આવી ગયુ હોવાથી 108ની ટીમ દ્વારા પ્રેગનન્સી કિટ થકી મહિલાની શૌચાલયમાં જ સફળ ડિલિવરી કરાઈ હતી. મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. માતા અને બાળકી બંને સ્વસ્થ હોવાનું જણાવવામાં આવ્યુ છે. ડિલિવરી બાદ મહિલા અને બાળકીને હોસ્પિટલ ખસેડ્યા હતા.
સુરતના અમરોલી કોસાડ આવાસમાં રહેતા આશિષભાઈ ડામોરના પત્ની રશ્મિકાબેન ડામોર સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ નજીક ચાલી રહેલ બાંધકામની સાઈટ પર મજૂરી કામ કરી રહ્યા છે. ત્યારે રશ્મિકાબેનને આઠ માસનો ગર્ભ હતો અને રશ્મિકાબેનને બપોરના સમયે સેન્ટ્રલ બસ સ્ટેન્ડના શૌચાલયમાં ગયા હતા. જ્યાં રશ્મિકાબેનને અચાનક જ પ્રસૂતીની પીડા ઉપડી હતી. જેને લઈ તેમના પતિ આશિષ ડામોર દ્વારા પત્ની રશ્મિકાબેનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે તાત્કાલિક 108ને ફોન કરી બોલાવવામાં આવી હતી. રશ્મિકાબેનના પતિ આશિષ ડામોર દ્વારા 108 ને ફોન કરતા 108ની ટીમ ગણતરીના સમયમાં સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે આવી પહોંચી હતી.
108ની કામગીરીને લઈ 108ના પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર શાહીએ જણાવ્યું હતું કે 108ની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ મહિલા શૌચાલયમાં પ્રસુતિ દુખાવાથી પીડાઈ રહી હતી. 108 ના ઇએમટી કર્મચારી નીતિન ડાભી દ્વારા મહિલાની તપાસ કરતા તે હોસ્પિટલ સુધી પહોંચી શકે તેમ લાગતું ન હતું. બાળકનું માથું પણ બહાર આવી ગયું હતું. જેને લઇ મહિલાની સ્થળ પર ડિલિવરી કરવી પડે તેવી સ્થિતિ હતી. જેથી ઇએમટી ડોક્ટર નિતીન ડાભી દ્વારા એમ્બ્યુલન્સમાંથી ડીલીવરી કીટ મેળવીને મહિલાની શૌચાલયમાં જ ડિલિવરી કરવાનું શરૂ કર્યું હતું. મહિલાને શૌચાલયમાં કોર્ડન કરી 108 ની ટીમ દ્વારા પ્રસૂતા કરાવી હતી. જ્યાં 108 ની ટીમ દ્વારા મહિલાની સફળ ડિલિવરી કરવામાં સફળતા મળી હતી.
આ અંગે મહિલાના પતિ આશિષ ડામોર સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે મારી પત્નીની આ ત્રીજી ડિલિવરી છે. અમે અમરોલીના કોસાડ આવાસમાં રહીએ છીએ. 108 ની ટીમ દ્વારા મારી પત્નીની સફળ ડિલિવરી કરાવી દેવાતા અમને ખૂબ જ ખુશી થઈ છે. મારા ઘરે લક્ષ્મીનો અવતાર આવ્યો છે. આ પહેલા મારે એક પાંચ વર્ષની દીકરી અને અઢી વર્ષનો દીકરો છે.