સુરત આરટીઓ (Surat RTO)માં પડયા પાથર્યા રહેતા એજન્ટો (Agents)એ સરકારી કચેરીની આબરૂના ધજાગરા ઉડાડી દીધા છે. અત્યાર સુધી સરકારી કચેરીના ટેબલ અને ખુરશી પર કબજો જમાવનારા એજન્ટો હવે અધિકારીઓ ઉપર હાવી થવા માંડયા છે. આવો જ એક કિસ્સો સોમવારે સુરત આરટીઓ કચેરી (RTO office)માં બન્યો હતો. અકીલ શાહનવાઝ વઢવાણિયા નામના એજન્ટે એક કામગીરી મુદ્દે ઈન્ચાર્જ એઆરટીઓ કૃણાલ પંચાલનો કોલર પકડી લીધો હતો. અધિકારીની ચેમ્બરમાં ઘુસી આટલી હદે એજન્ટે દાદાગીરી કરી હોવા છતાં ફકત માફીનામું લખાવી સમગ્ર મામલો રફેદફે કરી દેવામાં આવ્યો હતો.
ઘટના કંઈક એવી છે કે સુરત આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરતા અકીલ શાહનવાઝ વઢવાણિયાએ સામાન્ય કામાગીરીમાં વિલંબ થતા એઆરટીઓ કૃણાલ પંચાલનો કોલર પકડી લીધો હતો. વાહનની આરસીબુકમાં પેટ્રોલ – ડીઝલનો પ્રકાર સુધારવા સંદર્ભની અરજીને લઈને એજન્ટ અકીલ વઢવાણિયા એઆરટીઓ કૃણાલ પંચાલ પાસે ગયો હતો.
તે સમયે એઆરટીઓ કૃણાલ પંચાલ પોતાના કામમાં વ્યસ્ત હતા. એજન્ટ અકીલ વઢવાણિયા એઆરટીઓને તમે કેટલાક ચોકકસ એજન્ટોને જ કામ કરી આપો છો એવો આક્ષેપ કર્યો હતો અને અમારુ કામ કેમ નહીં કરી આપતા હોવાનું જણાવી અધિકારી સાથે જીભાજોડી કરી હતી. એટલું જ નહીં બોલાચાલી બાદ એજન્ટે અધિકારીનો કોલર પણ પકડી લીધો હતો.
સમગ્ર મામલે ઈન્ચાર્જ એઆરટીઓ કૃણાલ પંચાલે જણાવ્યું હતુ કે ”એજન્ટ મારી ઓફિસમાં આવી ગેરવર્તન કરવા લાગ્યો હતો. મેં એને બહાર જવાનું કહેતા તે અકળાયો હતો અને ગેરવર્તણુક કરવા લાગ્યો હતો. એજન્ટ ક્રિમિનલ મેન્ટાલિટીનો છે. થોડા સમય અગાઉ એજન્ટો પર થયેલી કાર્યવાહીને લીધે અકળાયેલો હતો. દુઃખે પેટ અને કૂટે માથુ જેવી તેની સ્થિતિ છે.”
સુરત RTOમાં થોડા દિવસ પહેલા જ એક મોટું રેક્ટ બહાર આવ્યું હતું. જેમાં બારોબાર વાહનોના ટેસ્ટ લાઇસન્સ કાઢી આપવામાં આવતા હોવાનું સામે આવ્યુ હતુ. તેના પરથી કહી શકાય કે હવે સુરત RTO પર કોઈ અધિકારીનો દબદબો નથી રહ્યો. હાલના ઇન્ચાર્જ RTO પર પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જો સરકાર દ્વારા કોઈ ચોક્કસ પગલાં નહિ ભરવામાં આવે તો સુરત RTO આવનારા દિવસોમાં આવા એજન્ટોનો ઉપદ્રવ હાવી થઈ જાય તો નવાઈ નહી.
ARTO કક્ષાના અધિકારીઓનો કોલર પકડી લીધો છતાં ઈન્ચાર્જ આરટીઓ કે એઆરટીઓએ પોલીસ ફરીયાદ નોંધાવા સુદ્ધાની તસ્દી લીધી નથી. સુરત RTOમાં હવે સરકારી અધિકારીઓની સત્તા ઓછી થઈ ગઇ કે બિન અધિકૃત એજન્ટોનું વર્ચસ્વ વધી ગયું તે સમજાતુ નથી.
આ પણ વાંચો- વડોદરા શહેરના તમામ 21 પોલીસ સ્ટેશનના ડી સ્ટાફનું વિસર્જન થશે, વડોદરા પોલીસ કમિશનરે તમામ DCPને આપી સૂચના