
Surat : સુરત શહેરના એક પોલીસ અધિકારી અને શિક્ષણ સમિતિના એક પદાધિકારી સાથે કેટલાક શિક્ષકોએ (Teachers) કરેલી કામગીરી ના કારણે હવે સુરતમાં ઘર વિહોણા 95 જેટલા બાળકોને પાલિકાની સ્કૂલમાં અક્ષરજ્ઞાન મળશે.
સુરતમાં આ અનોખી પહેલના કારણે શહેરમાં જે લોકો પાસે ઘર નથી અને શેલ્ટર હોમમાં રહે છે તેવા વાલીઓના બાળકો પણ સ્કૂલના પગથિયાં ચઢી શકશે. સ્કૂલ શરૂ થઈ તેના પહેલા દિવસે કેટલાક ઓછા વિદ્યાર્થીઓ આવ્યા હતા, પરંતુ આ અનોખી પહેલના કારણે તબક્કાવાર 95 બાળકો સ્કૂલમાં પ્રવેશ મેળવી શકશે.
સુરતમાં ઘર વિહોણા લોકો માટે પાલિકાએ જુદા જુદા વિસ્તારમાં શેલ્ટર હોમ બનાવવામા આવ્યા છે. સુરત શહેરમાં બ્રિજ નીચે, ફૂટપાથ અને અન્ય જગ્યાએ ઘર વિહોણા લોકો રહે છે. આ ઘર વિહોણા લોકોને શેલ્ટર હોમ સુધી પહોંચાડવાની કામગીરી પોલીસ વિભાગ દ્વારા કરવામા આવે છે. આ કામગીરી માટે એ.સી.પી. આઈ એમ. પરમારને નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે.
એસીપી પરમારે જણાવ્યુ હતુ કે, ઘર વિહોણા લોકોના ઘણા બાળકો હોય છે જેમને શિક્ષણ મેળવવાનો હક્ક છે, તે માટે શિક્ષણ સમિતિનો સંપર્ક કરવામાં આવ્યો હતો. શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ સ્વાતિ સોસા સાથે વાટાઘાટ કરતાં તેઓએ આ માટે તૈયારી બતાવી હતી. અમારા સર્વેમાં સ્કૂલમાં અભ્યાસ કરી શકે તેવા 95 બાળકો એવા હતા કે જે સ્કૂલમાં અભ્યાસ કરવા માટે લાયક છે તેઓને સ્કૂલમાં અભ્યાસ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ સ્વાતિ સોસા કહે છે, શિક્ષણ સમિતિના સભ્યો અને શિક્ષકોને સાથે રાખીને જુદા જુદા શેલ્ટર હોમમાં રાખવામા આવેલા બાળકોને સ્કૂલમાં મોકલવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ બાળકોમાંથી કેટલાક બાળકો પાસે ઓળખ કાર્ડ નથી તેવા બાળકોને પણ શિક્ષણ મળે તે માટે આયોજન થઈ રહ્યું છે.
બોમ્બે માર્કેટ નજીક આવેલા શેલ્ટર હોમમાંથી અભ્યાસ લાયક બાળકોને નજીકની સ્કૂલમાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યા છે. આજે પહેલા દિવસે ઓછા બાળકો આવ્યા છે પરંતુ તબક્કાવાર 95 બાળકોને અભ્યાસ માટે સ્કૂલમાં મોકલવામા આવશે.