કોરોના (Corona) મહામારી દરમ્યાન સુરત મહાનગરપાલિકા (SMC) માટે આર્શીવાદ રૂપ સાબિત થયેલ ધન્વંતરી રથ હવે આવતીકાલથી એટલે કે મંગળવારથી ભૂતકાળ બનશે. સુરત શહેરમાં કોરોનાના સતત ઘટી રહેલા કેસો વચ્ચે હવે વહીવટી તંત્ર દ્વારા હાલના તબક્કે ધન્વંતરી રથ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમણના દરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલના તબક્કે રોજીંદા પાંચ – દસ કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે શહેરના અલગ – અલગ ઝોન વિસ્તારમાં દોડાવવામાં આવી રહેલા 80 ધન્વંતરી રથોને આવતીકાલથી બંધ કરવામાં આવશે.
કોરોના મહામારીના પ્રારંભ સાથે જ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં ઠેર-ઠેર ટેસ્ટીંગ માટે ધન્વંતરી રથો દોડાવવામાં આવ્યા હતા. એક તબક્કે માત્ર સુરત શહેરમાં જ 226 જેટલા ધન્વંતરી રથો શરૂ કરવામાં આવ્યા હતા. જે સંખ્યા હાલ ઘટાડીને 80 સુધી કરવામાં આવી હતી અને હવે આવતીકાલથી ઔપચારિક સાબિત થઈ રહેલા ધન્વંતરી રથો પણ બંધ કરવામાં આવશે.
કોરોનાના સતત ઘટી રહેલા કેસોને પગલે એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલથી ધન્વંતરી રથો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ શહેરીજનોને આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ માટેની સુવિધા નજીકના હેલ્થ સેન્ટર પર રાબેતા મુજબ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોના મહામારીના સંક્રમણને ધ્યાને રાખીને છેલ્લા પોણા બે વર્ષથી તબક્કાવાર ડોક્ટર, નર્સ, લેબ ટેક્નીશિયન સહિત 1,700 જેટલા કર્મચારીઓની કરાર આધારિત ભરતી કરવામાં આવી હતી. જો કે, આજે આ તમામ કર્મચારીઓનો આજે છેલ્લો દિવસ હોવાને કારણે આવતીકાલથી આ કર્મચારીઓને પણ છુટા કરવામાં આવશે.
સુરત શહેર – જિલ્લામાં કોરોના મહામારીમાંથી માંડ માંડ રાહત મળી છે ત્યારે હવે બર્ડ ફ્લૂની દહેશતને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું છે. મહારાષ્ટ્ર અને રાજ્યના છેવાડાના વિસ્તારોમાં બર્ડ ફ્લુના શંકાસ્પદ કેસો જોવા મળતાં આજે સવારથી જિલ્લા પશુપાલન વિભાગના અધિકારીઓ દ્વારા અલગ – અલગ તાલુકાઓમાં આવેલા પોલ્ટ્રી ફાર્મ સહિતના સ્થળે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Ukraine-Russia War Effect : રફ ડાયમંડના ભાવ 10% વધ્યા, યાર્ન પણ 2 થી 3 રૂપિયા મોંઘુ
આ પણ વાંચો : Big News :12 થી 15 વર્ષના બાળકો માટેની કોર્બેવેક્સ રસીનો જથ્થો સુરત આવી પહોંચ્યો