સુરતમાં (Surat) ડુમસમાં પરિવારજનો સાથે ફરવા ગયેલી એક વિદ્યાર્થિનીનું દરિયામાં ડુબી જવાથી મોત (Death) થયુ છે. 17 વર્ષીય રોશની મહેશ સોલંકી ગઈ કાલે રજા હોવાથી કાકા જીગ્નેશભાઈ તથા ફોઈ વૈશાલી બેન સહિતના પરિવારના અન્ય સભ્યો તેમજ પાડોશીઓ સાથે ડુમસ ફરવા માટે ગઈ હતી. જો કે રવિવારની રજા તેની જીંદગીનો અંતિમ દિવસ બની ગયો. ડુમસ પોલીસ (Dumas Police) સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વિદ્યાર્થિની રામપુરા ખાતે આવેલ ચુમ્માલીશની ચાલમાં રહેતી હતી.
રામપુરા ખાતે રહેતી વિદ્યાર્થીની રોશની રવિવારની રજા હોવાથી કાકા તથા ફોઈ તેમજ પાડોશીઓ સાથે ડુમ્મસ ફરવા ગઈ હતી. રવિવારની રજા મન મૂકી મજા માણતી વિદ્યાર્થીનીને દરિયાનું પાણી જોઈ નહાવાની ઈચ્છા થઇ હતી. ત્યારે કાકાનો હાથ પકડીને દરિયાના પાણીમાં ગઈ હતી. દરિયાનું મોજું આવતા તેનાથી કાકાનો હાથ છૂટી ગયો હતો અને તે પાણીના વહેણમાં ખેંચાઈ ગઈ હતી. ભત્રીજીનો હાથ છૂટી જતા કાકાએ બુમાબુમ કરતા ત્યાં લોકો દોડી આવ્યા હતા.
ઘટના અંગે જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા થોડા સમય સુધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે ઘણા સમય બાદ રોશની દરિયામાંથી મળી આવી હતી. જે બાદ તેણીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજના પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
સુરતમાં રહેતી રોશની ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. તેના પિતા હીરાના કારખાનામાં સફાઈનું કામ કરે છે અને સંતાનમાં તેમને અન્ય એક પુત્રી અને એક પુત્ર છે. રોશનીના મોતના સમાચારના પગલે સમગ્ર પરિવારમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવને લઈને ડુમસ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો-Ahmedabad: હત્યાનો પ્રયાસ લાઈવ સીસીટીવીમાં થયો કેદ, પોલીસે આરોપી કરી ધરપકડ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો