પાવરબેંક ફાટ્યું.. સુરતની યુટ્યુબર શિવાનીનું ઘર આગમાં લપેટાયું, જુઓ Video

સુરતની યુટ્યુબર શિવાની કપિલા ('લિટલ ગ્લોવ્સ')ના ઘરમાં ભીષણ આગ લાગી છે. બેડરૂમમાં ચાર્જિંગ પર મૂકેલી વાયરલેસ પાવર બેંકમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી.

પાવરબેંક ફાટ્યું.. સુરતની યુટ્યુબર શિવાનીનું ઘર આગમાં લપેટાયું, જુઓ Video
| Updated on: Jun 29, 2026 | 5:10 PM

સુરતની જાણીતી કન્ટેન્ટ ક્રિએટર અને યુટ્યુબર શિવાની કપિલા, જેને સોશિયલ મીડિયા પર ‘લિટલ ગ્લોવ્સ’ તરીકે ઓળખવામાં આવે છે, તેમના ઘરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, બેડરૂમમાં ચાર્જિંગ પર મૂકવામાં આવેલી વાયરલેસ પાવર બેંકમાં અચાનક બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને યુટ્યુબ તરફથી મળેલા સિલ્વર, ગોલ્ડન તેમજ ડાયમંડ પ્લે બટન પણ બળીને ખાખ થઈ ગયા છે.

શિવાનીએ સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ઘટનાના સમયે તેઓ પોતાની સાસુને અચાનક તાવ આવતાં હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યારે તેમના પિતા ઘરે હાજર હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ તેમને ફોન આવ્યો કે તેમના બેડરૂમમાં આગ લાગી છે.

શિવાની કહે છે કે શરૂઆતમાં તેમને લાગ્યું હતું કે કદાચ સામાન્ય ઘટના હશે, પરંતુ જ્યારે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે આખો બેડરૂમ આગમાં બળી ગયો હતો. તેમના જણાવ્યા અનુસાર, ચાર્જિંગ દરમિયાન વાયરલેસ પાવર બેંકમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને થોડી જ ક્ષણોમાં આગે સમગ્ર રૂમને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો.

રૂમમાં ફસાયેલો પાળતુ શ્વાન ‘કોકો’નો જીવ બચ્યો

આગ લાગતી વખતે શિવાનીનો પાળતુ શ્વાન કોકો પણ રૂમની અંદર હતો. રૂમમાં એસી ચાલુ હોવાથી કોકો અંદર જ રહ્યો હતો. ધુમાડો અને આગ ઝડપથી ફેલાતા તેમના પિતા અને મેનેજર રાજીવએ તરત જ પાણીની ડોલ વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો અને જોખમ વચ્ચે કોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. સદનસીબે કોકોને માત્ર પીઠના ભાગે હળવી ઈજા થઈ હતી અને તે ગંભીર રીતે ઘાયલ થયો નહોતો. શિવાનીએ આ ઘટનાને ચમત્કાર ગણાવી હતી અને કહ્યું કે ભગવાનની કૃપાથી તેમના પાળતુ શ્વાનનો જીવ બચી ગયો.

ડાયમંડ અને ગોલ્ડન પ્લે બટન સહિત કિંમતી સામાન બળીને રાખ

આ ભીષણ આગમાં બેડરૂમ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો હતો. એર કન્ડિશનર, ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સ, કપડાં, મોંઘી બેગ, એક્સેસરીઝ, ફર્નિચર અને અનેક કિંમતી વસ્તુઓ આગમાં બળી ગઈ હતી. શિવાની માટે સૌથી મોટો આઘાત એ હતો કે યુટ્યુબ તરફથી મળેલા સિલ્વર, ગોલ્ડન અને ડાયમંડ પ્લે બટન, જે તેમની વર્ષોની મહેનત અને સફળતાનું પ્રતીક હતા, તે પણ આગમાં ખાખ થઈ ગયા. ઉપરાંત તેમની દીકરી આધ્યાએ બાળપણમાં બનાવેલી એક ખાસ દિવાલ કલાનું સ્મૃતિચિહ્ન પણ નષ્ટ થઈ ગયું. ભાવુક બનેલી શિવાનીએ જણાવ્યું કે મધ્યમવર્ગીય પરિવારમાંથી આગળ વધીને વર્ષોની મહેનતથી તેમણે પોતાનું સપનાનું ઘર બનાવ્યું હતું, પરંતુ થોડા જ મિનિટોમાં બધું જ બળીને રાખ થઈ ગયું.

ધુમાડાના કારણે પરિવારની તબિયત પણ બગડી

આગ બાદ રૂમમાં ફેલાયેલા ઝેરી ધુમાડાના કારણે શિવાની, તેમના પિતા અને મેનેજર રાજીવને ઉલટી તથા પેટમાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કાર્બન મોનોક્સાઇડ અને અન્ય ઝેરી વાયુઓના કારણે તેઓ હજુ પણ શારીરિક અને માનસિક આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ચાર્જિંગ દરમિયાન પાવર બેંકમાં થયો હતો બ્લાસ્ટ

શિવાનીના જણાવ્યા અનુસાર, ઘટના પહેલાં તેમણે લગભગ ₹4,000થી ₹4,500 કિંમતની જાણીતી બ્રાન્ડની વાયરલેસ પાવર બેંક ચાર્જિંગમાં મૂકી હતી. ઘરેથી બહાર નીકળ્યા બાદ ચાર્જિંગ દરમિયાન પાવર બેંકના પાછળના ભાગમાં અચાનક વિસ્ફોટ થયો અને તેની ચીંગારીઓથી આખા રૂમમાં આગ ફેલાઈ ગઈ. તેમણે જણાવ્યું કે તેઓ હંમેશા સાવચેતી રાખતા હતા અને વિશ્વસનીય બ્રાન્ડનું ઉત્પાદન જ ઉપયોગમાં લેતા હતા. તેમ છતાં આવી દુર્ઘટના કેવી રીતે બની તે હજુ પણ તેમના માટે આશ્ચર્યજનક છે.

લોકો માટે આપી મહત્વની ચેતવણી

આ ઘટનાને ધ્યાનમાં રાખીને શિવાનીએ લોકોને મહત્વની અપીલ કરી છે કે મોબાઇલ ફોન અથવા પાવર બેંકને ક્યારેય બેડ પર અથવા સૂવાની જગ્યાની નજીક ચાર્જિંગમાં ન મૂકો. આજકાલ ઘરમાં રહેલી ઘણી વસ્તુઓ સિન્થેટિક સામગ્રીથી બનેલી હોવાથી તે ખૂબ ઝડપથી આગ પકડી લે છે. માત્ર એક નાની બેદરકારી પણ આખા ઘરને રાખમાં ફેરવી શકે છે.

શિવાનીએ જણાવ્યું કે આ દુર્ઘટનાએ તેમને જીવનનો મોટો પાઠ શીખવ્યો છે અને તેઓ ઈચ્છે છે કે અન્ય કોઈ પરિવાર સાથે આવી ઘટના ન બને.

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક, મોટી સુરક્ષા ચૂક, જુઓ Video

Follow Us