ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. ત્યારે સુરત શહેરમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. સુરત શહેરમાંથી વધુ એક વાર પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. સુરતમાં નશાકારક પ્રવૃત્તિને ડામવા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે આ દરમિયાન સુરતના સારોલી પોલીસ મથક હદ વિસ્તારમાંથી બાતમીના આધારે નિયોલ ચેકપોસ્ટ પરથી એક વ્યક્તિને ચરસ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન અંતર્ગત સુરત પોલીસ હંમેશા નશાકારક દ્રવ્યો લાવનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે. સુરત પોલીસ કમિશનરના સચોટ માર્ગદર્શન હેઠળ આ અભિયાન હાથ ધરવામાં આવેલુ છે. ત્યારે તેવામાં સુરતના સારોલી પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા નિયોલ ચેક પોસ્ટ ખાતેથી એક યુવક ચરસનો જથ્થો લઈ સુરત આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી સુરત ચરસની ડિલિવરી કરવા એક ઈસમ આવી રહ્યો હોવાની માહિતી હતી. બાતમીના આધારે સારોલી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ વિલેશ જસવંત ભાઈએ તપાસ કરતા ઇન્દોરનો રહેવાસી ફેઝલ ઉર્ફે CNG સફી ખાન 475 ગ્રામ ચરસ સાથે ઝડપાયો હતો.
પકડાયેલા આ ચરસની કિંમત 71,250 રૂપિયા જેવી થાય છે. સાથે જ યુવકનું ચેકિંગ કરતા રુપિયા 1000 રોકડા એક મોબાઈલ ફોન અને ટ્રાવેલિંગ બેગ મળી રુ. 79,250 નો મુદ્દા માલ પોલીસે કબ્જે કર્યો હતો. મહત્વનું છે કે, સુરત પોલીસે નશાના કાળા કારોબાર સામે લાલ આંખ કરી છે. જેને લઈ તમામ ચેક પોઇન્ટ પર ચેકીંગ હાથ ધરાઈ રહ્યાં છે. ત્યારે ઇન્દોર ખાતેથી સુરતમાં ચરસ લાવનાર વ્યક્તિ ચરસ કોને આપવાનો હતો. તે બાબતે પૂછપરછ કરતા યાસીનભાઈ નામના વ્યક્તિને આ જથ્થો આપવાનો હોવાનું માલુમ પડ્યું હતું.
સરોલી પોલીસ દ્વારા ચરસ આપનાર ઇન્દોરનો જાવેદ ઉર્ફે બલ્લુ આ બંને ને વોન્ટેડ જાહેર કરી બંનેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું એ છે કે, હવે લોકો ડ્રગ્સ અને ચરસનો નશો વધુ કરતા હોય તેવુ લાગે છે. કારણ કે જે રીતે એક પછી એક ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ રહ્યો છે, ત્યારે માર્કેટમાં ડિમાન્ડ હશે તો જ ડ્રગ્સ ડીલરો આ જથ્થો લાવતા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ગુજરાત પોલીસ દ્વારા આ બાબતે કડક વલણ અપનાવવામાં આવી રહ્યુ છે.