રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોઠારિયા રોડ પરના શ્રીરામ પાર્ક સોસાયટી નજીક 14 ડિસેમ્બરના રોજ એક મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરીને એક શખ્સ ફરાર થયો હતો.આ મહિલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાના ઘરે મહેમાન બનીને આવ્યા હતા અને બહાર જતી વખતે આ બનાવ બન્યો હતો.બનાવની જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ચીલઝડપ કરનાર શખ્સ રાજકોટના આનંદનગર વિસ્તારમાં રહે છે જેના આધારે પોલીસે તપાસ કરી અને દર્શીત ઉર્ફે બાબુ હાંડા નામના શખ્સને પકડી પાડ્યો હતો.પોલીસે ચીલઝડપમાં ગયેલો સોનાનો ચેઇન અને બાઇક પણ કબ્જે કર્યું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ શખ્સની મોડસ ઓપરેન્ડી અંગે પોલીસે કહ્યું હતું કે આ શખ્સ બપોરના સમયે ચીલઝડપ કરવાની ટેવવાળો છે.પોતાની ઓળખ ન થાય તે માટે મોઢા પર માસ્ક,ગોગલ્સ પહેરતો હતો અને પોતે જે બાઈક લઇને નીકળે તેની નંબર પ્લેટ પણ તોડી નાખેલી હાલતમાં હતી.આ શખ્સ બપોરના સમયે એકલા જતા મહિલાને શિકાર બનાવતો હોવાનું પણ સામે આવ્યું છે.
આ કિસ્સામાં પોલીસની કામગીરી ખૂબ જ સરાહનીય જોવા મળી છે.પોલીસે ગણતરીની ઘડીઓમાં આરોપીને પકડી પાડ્યો છે,જો કે આ ઘટના પોલીસ પરિવાર સાથે બની હતી ત્યારે સામાન્ય લોકો એવું ઇચ્છી રહ્યા છે કે પોલીસ અન્ય કિસ્સાઓમાં પણ આટલી ઝડપથી કામગીરી કરે અને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલે.