સુરતના વરાછામાં રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામનો વિરોધ થઇ રહ્યો છે. રેશમ ભવન એપાર્ટમેન્ટની સામે કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકોએ પાલિકાનો ઘેરાવ કરી હલ્લાબોલ કર્યો હતો. રેશમ ભવન એપાર્ટમેન્ટ સહિતની સોસાયટીના લોકો ઇન્ડસ્ટ્રીયલ બાંધકામનો ભારે વિરોધ કરી રહ્યા છે. આસપાસમાં શાળા અને મોટી સંખ્યામાં રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિકો ઇન્ડસ્ટ્રીલ બાંધકામનો વિરોધ કરી રહ્યા છે.
સુરતના વરાછા વિસ્તારના સ્થાનિકો આ મામલે અગાઉ પણ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો.સાથે જ પાલિકા કમિશનરને આવેદન પત્ર આપી બાંધકામ અટકાવવા રજુઆત કરી હતી.
સુરતમાં અનેક વખત રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ થતા હોવાની ઘટના સામે આવે છે. સોસાયટીમાં કોમર્શિયલ બાંધકામ થાય છે જેને પગલે દુકાનોમાં અનેક લોકોની અવાર જવર થાય છે. જેને પગલે રહેવાસીઓ પોતાની સ્વતંત્રતા ખોતા હોવાની અનેક રાવ પણ ઉઠે છે. તેવી જ ઘટના સુરતના વરાછા વિસ્તારમાં આવેલા રેશમ ભવન એપાર્ટમેન્ટના સામે બની હતી. રેશમ ભવન એપાર્ટમેન્ટ ખૂબ મોટો છે અને તેમાં અનેક લોકો વસવાટ કરે છે. સાથે સાથે આજુ બાજુમાં 10 જેટલી સોસાયટી પણ આવેલી છે.
જોકે રેશમ ભવનની સામે આવેલા ખુલ્લા મેદાનમાં એક બિલ્ડર દ્વારા કોમર્શિયલ બાંધકામ થતું હોવાની સ્થાનિકોને જાણ થતા સ્થાનિકો દ્વારા અનેક વખત પાલિકાને રજુઆત મારી હતી. જોકે પાલિકાના અધિકારીઓએ આ બાંધકામને લઈ આંખ આડા કાન કર્યા હોય તેમ કોઈ પણ નિરાકરણ આવતું ન હતું.
ત્યારે મોટી સંખ્યામાં મહિલા અને પુરૂષો સુરત મહાનગર પાલિકા કચેરી ખાતે પહોંચી ધરણા કર્યા હતા. સાથે જ પાલિકા કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી. સાથે જ જો રજુઆત છતાં કોઈ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી.