ગુજરાતભરમાં (Gujarat) પહેલી જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ (Ban on single use plastics) મુકવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત મનપા (SMC) દ્વારા શહેરીજનોને કાપડ, જ્યુટની બેગો, રીયુઝેબલ કટલરી આઇટમનો વપરાશ કરવા અપીલ કરવામાં આવી છે. વડા પ્રધાન મોદી (Prime Minister Modi) દ્વારા વર્ષ 2022 સુધીમાં ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જે અનુસંધાને પર્યાવરણ, વન અને જળ-વાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ જાહેરનામા મુજબ આગામી પહેલી જુલાઇથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ અને વપરાશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ જાહેરનામાના પગલે સુરત મનપા દ્વારા પણ પ્લાસ્ટિક પ્રદૂષણથી પર્યાવરણને થતાં નુક્સાનમાં ઘટાડો કરવાના હેતુથી કાપડ/જ્યુટની બેગ, રી-યુઝેબલ કટલરી આઇટમનો વપરાશ કરવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. આગામી તારીખ પહેલી જુલાઇથી ડેકોરેશનમાં વપરાતા પ્લાસ્ટિક પોલીશ્ડાઇરીન, પ્લાસ્ટિકની કટલરી આઇટમ્સ, પ્લેટ, કપ, ગ્લાસ ચમચી, ફુગ્ગા, આઇસ્ક્રીમ-કેન્ડીમાં વપરાતી પ્લાસ્ટિક સ્ટીક્સ, 100 માઇક્રોનથી ઓછી જાડાઇવાળા-પીવીસી બેનરના ઉત્પાદન, વેચાણ, ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સુરત મનપા દ્વારા રી-સાઇકલ પ્લાસ્ટિકમાંથી બનેલા 75 માઇક્રોનથી ઓછી જાડાઇવાળી કેરીબેગ ઉપર સપ્ટેમ્બર-2021થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાને પગલે સિંગલયુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, વિતરણ, વેચાણ, ઉપયોગ પર સુરત મનપા હદ વિસ્તારમાં ઉત્પન્ન થતાં ઘનકચરામાં રોજ 20 થી 25 ટન મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટમાં ઘટાડો થવાની સંભાવના છે.
હાલ સિંગલ યુઝમાં વપરાતા ઓછી જાડાઇવાળા પ્લાસ્ટિકનું એકત્રિકરણ અને નિકાલ એટલે કે રી-સાઇકલિંગમાં ઘણી મુશ્કેલી ઊભી થાય છે. નોંધનીય છે કે, છેલ્લાં એક અઠવાડિયામાં જ સુરત કોર્પોરેશન દ્વારા 250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
કોર્પોરેશનના એડિશનલ સીટી ઈજનેરનું કહેવું છે કે, અમે પહેલી જુલાઈથી આ જાહેરનામાનો કડક પણે અમલ કરવા તૈયાર છે. જેથી અમે દુકાનદારો અને લોકોને વિનંતી કરીએ છીએ કે તેઓ અત્યારથી જ પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે કાપડ અથવા જ્યૂટની બેગનો વપરાશ શરૂ કરી દે. જો સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતા માલુમ પડશે તો 1 હજાર સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
Published On - 10:01 am, Thu, 30 June 22