સુરત પોલીસ (Surat Police) શહેરમાં ગુનાખોરી ઓછી થાય તે માટે બનતા પ્રયાસો કરી રહી છે. પોલીસ કર્મચારીઓ દરેક વિસ્તારમાં ગુનાખોરો પર નજર રાખી રહી છે. જે માટે તે સીસીટીવી કેમરાની મદદ લે છે. ડાયમંડ સિટી સુરત (Surat) માં આગામી દિવસોમાં સુરત પોલીસ 595 નવા સીસીટીવી (CCTV) લગાડવાની તૈયારી કરી રહી છે. જેના માટે ગુજરાત સરકારના (Government of Gujarat) ‘વિશ્વાસ’ પ્રોજેકટ હેઠળ આ કેમેરા લગાવાશે. અત્યાર સુરત શહેરમાં પીપીપી ધોરણે 725 કેમેરા લગાડેલા છે. આ કેમેરા થકી સુરત પોલીસને અત્યાર સુધીમાં 84 ટકા ગુના ઉકેલવામાં મદદ મળી છે. 595 નવા કેમેરા ખાસ કરીને જે એરિયામાં ઓછા કેમેરા છે તેવા એરિયામાં લગાડાશે.
સુરત શહેર પોલીસે અત્યાર સુધીમાં સીસીટીવી કેમેરાની મદદથી અનેક ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. જો કે શહેરના ખુણે ખુણે પોલીસની નજર રહે તેવા પ્રયાસો હવે હાથ ધરવામાં આવી રહ્યા છે. જેથી સુરત શહેરમાં આગામી સમયમાં ગુજરાત સરકારના ‘વિશ્વાસ’ પ્રોજેકટ હેઠળ અન્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. ઉપરાંત આગામી દિવસોમાં સુરત મહાનગર પાલિકા દ્વારા પણ 2 હજાર કેમેરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં લગાડાશે. પાલિકા અને પોલીસ બંને એકબીજાને સીસીટીવી કેમેરાના નેટવર્ક ફીડ આપશે, જેથી એકબીજાના કેમેરાને જોઈ શકશે. સાથે પોલીસને પાલિકાના કેમેરા થકી ગુનેગારોને પકડવામાં મદદ પણ મળશે.
આ કેમેરાનો અંદાજિત ખર્ચ લગભગ 40 થી 50 કરોડનો છે. નવા કેમેરાઓમાં ખાસ કરીને પોલીસ ફિક્સ કેમેરા, પીટીઝેડ, સ્પીડ કેમેરા, ઓટોમેટીક નંબર પ્લેટ કેમેરા અને રોંગ સાઇડ ડ્રાઇવીંગ ટ્રાફિક વાયરલેશ કેમેરા લાગશે. સુરત શહેર પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતુ કે શહેરમાં ખાસ કરીને પીકઅર્વસમાં જે વિસ્તારમાં ટ્રાફિક રહેતો હોય તે વિસ્તારોના સીસીટીવી કેમેરા પર ટ્રાફિક પોલીસ દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાં પીકઅર્વસમાં ટ્રાફિકના એસીપી અથવા તો પીઆઈ સીસીટીવી કેમેરા થકી શહેરમાં જ્યાં વધારે ટ્રાફિક રહેતો હોય તે વિસ્તારના પીઆઈને જાણ કરી ટ્રાફિક ક્લિયર કરાવવાનું શરૂ કરી દીધું છે
ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટ દ્વારા જાણવા મળ્યું હતુ કે સુરત પોલીસે વર્ષ 2012ના ડિસેમ્બરમાં પીપીપી ધોરણે 104 સીસીટીવી કેમેરાથી શરૂઆત કરી હતી. આજે શહેરમાં 725 સીસીટીવી કેમેરા અલગ અલગ વિસ્તારોમાં લગાડવામાં આવ્યા છે. આ કેમેરા સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે ઉપયોગી નીવડી રહ્યા છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-