ગંભીર ગુના આચરનારા આરોપીઓને કાયદાની જોગવાઇ પ્રમાણે વધુમાં વધુ સજા થાય તે માટે હવે સરકારે આરોપીની સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા પહેલા સરકારી વકીલનું પ્રમાણપત્ર લેવાનું ફરજીયાત બનાવ્યું છે. આ કરવાનો મુખ્ય હેત ચાર્જશીટમાં કોઇ ખામી રહી હોય અથવા તો તપાસમાં કોઇ ક્ષતિ રહી ગઇ હોય તો તે ધ્યાન ઉપર આવે અને તેનો વિગતવાર અભ્યાસ કરીને આવી ક્ષતિને સુધારી આરોપીની સામે મજબુત પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી શકાય.
આ સર્ટિફિકેટ લેવાથી મુખ્ય ફાયદો એવો થશે કે, ફરિયાદ પક્ષ એટલે કે સરકારી વકીલ પોતાનો કેસ પુરવાર કરવામાં સફળ રહે અને આરોપીને વધુમાં વધુ સજા થાય. તા. 1 માર્ચ-2023થી જાહેર થયેલા આ પરિપત્ર બાદ સુરત સરકારી વકીલની કચેરીથી 20 જેટલા ગંભીર ગુનામાં પોલીસે પ્રમાણપત્ર મેળવીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
હત્યા, લૂંટ વીથ મર્ડર, પોક્સો, એટ્રોસિટી સહિતની ગંભીર ગુનામાં કે જે કેસમાં આરોપીને આજીવન કારાવાસ કે મૃત્યુદંડની જોગવાઇ છે તેવા કેસોમાં ઘણીવાર પોલીસની ગંભીર બેદરકારીના કારણે આરોપીને મોટો લાભ મળતો હોય છે અને આરોપી આસાનીથી જેલ બહાર નીકળી જવાના કિસ્સાઓ સામે આવ્યા છે.
ઘણીવાર ચાર્જશીટમાં જ પોલીસ દ્વારા કોઇ ભુલ રહી ગઇ હોય તો તેનો સીધો જ ફાયદો આરોપીને મળી જાય છે જેને લઇને હવે રાજ્યના કાયદા વિભાગ દ્વારા આરોપીને વધુમાં વધુ સજા મળે તેમજ કોર્ટમાં ફરિયાદ પક્ષનો પુરાવો મજબૂત રીતે રજૂ થાય તે માટે ચાર્જશીટ દાખલ કરતા પહેલા સરકારી વકીલના પ્રમાણપત્ર ફરજીયાત હોવાનું પરિપત્ર બહાર પડાયો છે.
હવે તમામ સેશન્સ ટ્રાયેબલ કેસો, ખાસ કરીને એનડીપીએસ, એટ્રોસીટી, પોક્સો, ગેંગરેપ, રેપ, મર્ડર તેમજ અન્ય ગંભીર ગુનાની ચાર્જશીટ માટે વેરીફિકેશન સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. સરકારી વકીલ આ ચાર્જશીટનો અભ્યાસ કરશે અને જો કોઇ ક્ષતી હોય અથવા તો કોઇ પુરાવામાં ભુલચુક હોય તો તેને સુધારવા માટે પોલીસને સૂચન કરશે. ચાર્જશીટ માટેનો અંતિમ નિર્ણય ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુસન (ડીઓપી)ની પાસે રહેશે અને જો કોઇપણ માહિતીની જરૂર પડે તો ડીઓપીની પણ મદદ લઇ શકાશે.
આ પણ વાંચો : રેલવે ટ્રેક ઉપર વીડિયો બનાવતા યુવક મોતને ભેટ્યો, યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો
નવા જાહેર થયેલા પરિપત્રને લઇને ઘણીવાર પોલીસ આરોપી સામે ચાર્જશીટ કરવામાં વિલંબ કરતી હોય અથવા તો કોઇ કારણોસર વિલંબ થઇ જાય ત્યારે આરોપી ડિફોલ્ટ બેઇલનો લાભ લઇને તાત્કાલીક જામીન ઉપર છૂટી જતો હતો. પરંતુ હવે ચાર્જસીટની સમયમર્યાદા કરતા 15 દિવસ પહેલા જ જે-તે તપાસ કરનાર પોલીસ અધિકારીએ સરકારી વકીલનો સંપર્ક કરીને તેની પાસેથી વેરીફેકશન સર્ટિફેકટ મેળવવું પડશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…