ગુજરાત(Gujarat ) વિધાનસભાની ચૂંટણી (Election) ગાજતી હોવાથી અને સંભવતઃ ડિસેમ્બર (December) માસમાં ચૂંટણી યોજવા માટે રાજ્યનું ચૂંટણીતંત્ર વિધાનસભાની ચૂંટણી માટેની કામગીરીમાં પરોવાઇ જતા ચાલુ મહિને એપ્રિલમાં સુરત જિલ્લાના ઉમરપાડા, માંગરોળ અને માંડવી તાલુકાની 13 ગ્રામપંચાયતના સરપંચ તથા સભ્યોની મુદત પૂર્ણ થતી હતી. પરંતુ ચૂંટણી જાહેર નહીં થતાં આ તમામ સ્થળે નવાગામ સુકાનીને બદલે વહીવટદારની નિમણુંક માટે જીલ્લા પંચાયત દ્વારા રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી આપી છે.
જિલ્લા પંચાયતના સૂત્રોથી પ્રાપ્ત વધુ વિગતો મુજબ જિલ્લાની માંડવી, ઉમરપાડા અને માંગરોળ તાલુકાની 13 ગ્રામ પંચાયતોની ચાલુ એપ્રિલ માસમાં મુદત પૂરી થઈ રહી છે. જેથી આ 13 ગામોના નવા સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યો માટેનું ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવું જોઇએ, પરંતુ તે જાહેરનામું બહાર ન પડતા ખુદ સુરત જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ મૂંઝવણમાં મૂકાયું હતું.
જિલ્લા પંચાયત સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે ગ્રામ પંચાયતની ચૂંટણનીના નિયમો પ્રમાણે મુદ્દત પુરી થાય એ પહેલા દોઢ મહિના અગાઉ જાહેરનામું બહાર પડી જવી જોઈએ. રાજ્ય ચૂંટણી આયોગ તરફથી જાહેરનામું બહાર પડે, સાથે સાથે ગ્રામપંચાયતના સરપંચ તથા વોર્ડના સભ્યોના રોટેશન પણ જાહેર થતા હોય છે. પરંતુ હવે તો ચાલુ મહિને ઉપરોક્ત 13 ગ્રામ પંચાયતોની મુદત પૂરી થાય છે છતાં કોઈ પ્રક્રિયા આરંભાઇ નથી.
આ ઉપરાંત મે માસમાં અન્ય 7 ગ્રામ પંચાયતોની પણ મુદત પૂરી થાય છે. ગ્રામપંચાયતોની મુદત પૂરી થતી હોવાની સુચના કે જાહેરનામું બહાર ન પડે ત્યાં સુધી અથવા તો કોઇ નિર્દેશ ન મળે ત્યાં સુધી ચૂંટણીની કામગીરી શરૂ થતી નથી અને ચૂંટણી જાહેર ન થાય તો ગ્રામ પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કરવી પડે.
રાજ્ય ચૂંટણી આયોગના કોઇ નિર્દેશ નહીં મળવાને કારણે 13 ગ્રામ પંચાયતમાં નવા સરપંચ નસીબ નહીં થાય, અને જિલ્લા પંચાયત આ મામલે વહીવટદારની નિમણૂંક માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી આપી છે. અગાઉથી જે ગ્રામ પંચાયતમાં સરપંચ અને સદસ્ય બનવા લોકો જાગૃત છે એવા લોકોના ઓરતા પણ હાલ પૂરતા અધૂરા રહી ગયા છે. એક સાથે 13 ગ્રામ પંચાયતમાં સામૂહિક ધોરણે વહીવટદારની નિમણૂક કરવી પડશે અને વધુમાં આગામી મે માસમાં 7 ગ્રામ પંચાયતની મુદત પૂરી થાય છે તેનું શું થાય છે તે હાલ કહેવું ખૂબ જ વહેલું ગણી શકાશે.
આ પણ વાંચો :