Surat: કામરેજના નવી પારડીમાં ગેરકાયદેસર ધમધમી રહેલું ગેસ રિફીલીંગ ગોડાઉન ઝડપાયું

|

Jul 01, 2022 | 4:35 PM

એસ.ઓ.જી. પોલીસે ઘરેલુ ઉપયોગ માટેના ગેસ રીફિલિંગ (Gas Refilling) તેમજ ગેરકાયદેસર બોટલ સંગ્રહખોરીના રેકેટને ઝડપી પાડ્યું હતું. સુરત જિલ્લા ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે કરેલી રેડમાં 1.99 લાખની કિંમતના 144 નંગ ગેસ બોટલ મળી આવ્યા.

Surat: કામરેજના નવી પારડીમાં ગેરકાયદેસર ધમધમી રહેલું ગેસ રિફીલીંગ ગોડાઉન ઝડપાયું
ગેરકાયદેસર ગેસ રિફીલિંગ કરતા બે આરોપી ઝડપાયા

Follow us on

સુરતના (Surat) કામરેજ તાલુકાના નવી પારડી ગામેથી જિલ્લા ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે ઘરેલુ ઉપયોગ માટેના ગેસ રીફિલિંગ (Gas refilling) તેમજ ગેરકાયદેસર બોટલ સંગ્રહખોરીના રેકેટને ઝડપી પાડ્યું હતું. સુરત જિલ્લા ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે કરેલી રેડમાં 1.99 લાખની કિંમતના 144 નંગ ગેસ બોટલ તેમજ ટાટા સુપર એસ ટેમ્પા સહિત અન્ય મળી કુલ 3.39 લાખ રૂપિયાના મુદ્દામાલ સહિત રેકેટમાં સામેલ બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે બાકીના ત્રણ આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા.

રંગે હાથે એક આરોપીને ઝડપી લેવાયો

સુરત જિલ્લા ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે સુરત જિલ્લા ગ્રામ્ય એસ.ઓ.જી. ઇન્ચાર્જ પીઆઇ કે.જે. ધડુક સહિત પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ કામરેજ તાલુકાના નવી પારડી ખાતે આવેલી સૂર્યોદય સોસાયટીના પ્લોટ નંબર 32 નજીક ગેસના બોટલ ભરેલા ટાટા સુપર એસ ટેમ્પામાંથી બોટલ ઉતારતા હોવાનું જોવા મળ્યુ હતુ. જે પછી પોલીસે પાસે આવેલી દુકાનમાં ગેસના બોટલ ઉતારતા રંગે હાથે એક વ્યકિતને ઝડપી પાડ્યો હતો.

બે આરોપીની ધરપકડ, બે ફરાર

પોલીસે સ્થળ પરથી કિશનભાઇ શંકરભાઈ તૈલી તેમજ અશોક કુમાર રામચરિત્ર શાહને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા બંને સહિત ત્રણ દ્વારા દુકાનના ગોડાઉનમાં ગેર કાયદેસર ગેસના ભરેલા બોટલમાંથી ખાલી બોટલમાં ગેસ રિફિલીંગ કરવાનો ગેરકાયદેસર વેપલો ચલાવવામાં આવતો હતો.

આ પણ વાંચો

આરોપીઓ દ્વારા ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો આચરવામાં આવતો હોવાનું સામે આવ્યું. સાથે જ દુકાનમાં કોઈ પણ સેફ્ટી સાધનોનો અભાવ તેમજ અંત્યંત જ્વલનશીલ અને હાનિકારક પદાર્થનો ગેરકાયદેસર સંગ્રહ સહિત માનવ જીવન માટે જોખમી કહી શકાય એવું કૃત્ય આચરવામાં આવતુ હોવાનું જોવા મળ્યુ.

કુલ 3.39 લાખ રૂપિયાના મુદ્દામાલ કબ્જે

પોલીસ દ્વારા દુકાનના ગોડાઉનમાંથી કુલ 144 ગેસના બોટલ કિંમત રૂપિયા 1.99 લાખ, ટાટા સુપર એસ કંપનીના ટેમ્પા નંબર જી જે 09-એવી 6184 કિંમત રૂપિયા 1 લાખ તેમજ HP કંપનીના ખાલી બોટલ,રેગ્યુલેટર, ઇલેક્ટ્રીક મોટર તેમજ નોઝલ સહિત કુલ 3.39 લાખ રૂપિયાના મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.

આ સાથે જ સ્થળ પરથી છોટુ,રસિકભાઈ તેમજ પ્રકાશભાઈ નામના ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પકડાયેલા આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ 285, 114 જરૂરી ચીજવસ્તુઓની સંગ્રહખોરીના ગુનાની કલમ 3, 7 મુજબ ગુનો નોંધી કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Article