સ્ટેટ જીએસટી(GST) વિભાગના અધિકારીઓ દ્વારા ફ્લેટોનું બુકિંગ કરવા છતાં જીએસટી (Tax) ભરવામાં અખાડા કરનાર એક ડેવલપર્સ (Developers) વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીના ભાગરૂપે છ કરોડ રૂપિયાની વસુલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. સાવન ઈન્ફ્રાવેન્યૂ નામક કંપની દ્વારા 44 ફ્લેટનું વેચાણ કરવા છતાં જીએસટી ન ભરવામાં આવતાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે કંપનીના ડિરેક્ટરો દ્વારા જીએસટી વિભાગમાં છ કરોડ રૂપિયા ટેક્સ પેટે ચુકવવામાં આવ્યા હતા.
શહેરના વિવિધ વિસ્તારોમાં રહેણાંક પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સાવલ ઈન્ફ્રાવેન્યુ એલએલપી દ્વારા હાલમાં જ એક પ્રોજેક્ટમાં 44 ફ્લેટનું વેચાણ કરવામાં આવ્યું હતું. અલબત્ત આ સંદર્ભેની માહિતી કંપની દ્વારા રેરામાં તો જણાવવામાં આવી હતી, પરંતુ આ ફ્લેટના વેચાણ પેટે મળેલી રકમ સંદર્ભે જીએસટી વિભાગમાં કોઈપણ પ્રકારનો ટેક્સ ભરપાઈ કરવામાં આવ્યો ન હતો. જેને પગલે વિભાગ દ્વારા કંપનીના ડિરેક્ટરોને નોટિસ પાઠવવામાં આવી હતી અને બુકિંગ પેટે મળેલ રકમ પર જીએસટી ભરવા માટે જણાવવામાં આવ્યું હતું.
સમગ્ર પ્રકરણમાં સ્ટેટ જીએસટી વિભાગની એન્ટી એવિઝન શાખાને આ સંદર્ભે જાણકારી મળતાં સાવલ ઈન્ફ્રાવેન્યુ એલએલપી વિરૂદ્ધ ગાળિયો કસવામાં આવ્યો હતો. જેમાં કંપનીના ડિરેક્ટરોને નોટિસ પાઠવીને જણાવવામાં આવ્યું હતું કે, તેઓ દ્વારા રેરામાં પોતાના પ્રોજેક્ટના 44 ફ્લેટનું બુકિંગ થયું હોવાનુ જણાવ્યું હતું, જ્યારે બીજી તરફ જીએસટી વિભાગમાં આ ફ્લેટના બુકિંગ પેટે મળેલી રકમ પર કોઈ ટેક્સ ભરવામાં આવ્યો ન હતો. જેના આધારે સઘન તપાસ હાથ ધરતાં આ આંકડો છ કરોડને પાર પહોંચ્યો હતો. જેને પગલે આજે કંપની દ્વારા આ રકમની ભરપાઈ કરવામાં આવતાં અન્ય ડેવલપર્સમાં પણ દોડધામ વધી જવા પામી છે.
જીએસટી વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સાવન ઈન્ફ્રાવેન્યુ નામક કંપનીના બિલ્ડરો દ્વારા પોતાના એક પ્રોજેક્ટમાં 44 ફ્લેટનું બુકિંગ કરવામાં આવ્યું હતું અને આ સંદર્ભે તેઓ દ્વારા રેરામાં જાણકારી અપડેટ કરવામાં આવી હતી. જો કે આ બુકિંગ પેટે મળેલી રકમ પર લાગુ જીએસટી ટેક્સ ભરવામાં આવ્યો ન હતો. જે દરમ્યાન જીએસટી આર1 અને 3બી ડેટાનું વિશ્લેષણ કરવામાં આવતાં આખે આખું પ્રકરણ બહાર આવ્યું હતું.
પેઢીના ડિરેક્ટરો દ્વારા માસિક જીએસટી રિટર્ન નીલ દાખલ કરવામાં વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ મળતાં જ ફફડી ઉઠેલા બિલ્ડર દ્વારા પોતાની કથિત ભુલનો સ્વીકાર કરીને 6.10 કરોડ રૂપિયાનો જીએસટી ટેક્સ ભરપાઈ કરી દેવામાં આવ્યો હતો. જો કે વિભાગ દ્વારા સાવન ઈન્ફ્રાવેન્યુ દ્વારા આ પ્રકારની અન્ય કોઈ ગેરરીતિ કરવામાં આવી છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો :
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-53