જાન્યુઆરી (January) મહિનામાં સુરતની હોસ્પીટલમાં બ્રેઈનડેડ (Braindead) જાહેર કરાયેલા 67 વર્ષીય કનુભાઈ વશરામ પટેલના બંને હાથોનું દાન (Hand Donation) ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ કનુભાઈ વશરામ પટેલના પરિવારે તેમના કિડની, લિવર, ચક્ષુઓ સહીત બંને હાથોનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું. દાન કરાયેલા કનુભાઈના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્ર બુલધાનાની રહેવાસી 35 વર્ષીય મહિલામાં મુંબઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યુ હતું. ત્રણ વર્ષ પહેલા કપડા સુકવતા વીજ કરંટ લાગવાને કારણે આ મહિલાના બંને હાથ કપાઈ ગયા હતા. તેના પતિ કરીયાણાની દુકાનમાં કામ કરે છે, તેમને સાત અને નવ વર્ષની બે દીકરી, ચાર વર્ષનો દીકરો છે.
ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફની ટીમે મુંબઈની હોસ્પીટલમાં સુરતના અંગદાતા સ્વ.કનુભાઈ વશરામપટેલના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ જે મહિલામાં કરવામાં આવ્યું હતું તે મહિલા અને તેના પરિવારની મુલાકાત લઈ તેને મળેલ નવજીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી હતી.
નીલેશ માંડલેવાલાએ તેને ટ્રાન્સપ્લાન્ટ પહેલા અને પછીના જીવન વિષે પૂછતા તે મહિલાએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા વીજ કરંટ લાગવાને કારણે બંને હાથ ગુમાવ્યા હતા. તે સમયે બાળકો ખુબ જ નાના હતા, મારા કપાયેલા હાથ જોઈ મારો ચાર વર્ષનો દીકરો મારી પાસે આવતો નહોતો. હું મારા બાળકોની સાર સંભાળ લઇ શકાતી ન હોવાને કારણે ખુબ જ દુઃખી હતી, મને મારા જીવન પ્રત્યે નિરાશા અને હતાશા હતી.
ટ્રાન્સપ્લાન્ટ પછી હું ખુબ જ ખુશ છું, મને મારું સર્વસ્વ મળી ગયું હોય તેવી લાગણી થાય છે, હવે હું મારા બાળકોની સંભાળ લઈ સારી રીતે તેઓનો ઉછેર કરી શકીશ, વ્હાલ કરી શકીશ, પ્રેમ કરી શકીશ, મારા બાળકો હાલ અમારા ગામ છે. હું તેઓની સાથે વિડીઓ કોલ પર વાત કરું છુ ત્યારે તેઓ મને કહે છે કે મમ્મી તારા હાથ બતાવ, મારા હાથ જોઇને તેઓ ખુબ જ ખુશ થાય છે.
ડોનેટ લાઈફની ટીમ સાથેની વાતચીતમાં આ મહિલાએ સ્વ.કનુભાઈના પરિવારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જે પરિવારે મને નવો જન્મ આપ્યો છે તેઓ મારા જીવનમાં ભગવાન બનીને આવ્યા છે. ડોનેટ લાઈફ સંસ્થાનો આભાર વ્યક્ત કરતા તેણે જણાવ્યું હતું કે તમે અંગદાન કરાવવાનું ખુબ જ સારું કાર્ય કરો છો.
તમારા કાર્યને લીધે અમારા જેવા દર્દીઓને નવું જીવન મળે છે. મારા જેવા નવજીવન પામેલા અસંખ્ય દર્દીઓના આશીર્વાદ તમને મળતા રહેશે. તમે આજ રીતે અંગદાન કરાવવાનું કાર્ય કરતા રહીને વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુજીવન આપતા રહો તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો :