ગુજરાતમાંથી અમરનાથ યાત્રાએ (Amarnath Yatra) ગયેલા ગુજરાતના યાત્રાળુઓ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. અમરનાથમાં ખરાબ હવામાનના કારણે સુરતનાં 19 શ્રદ્ધાળુઓ પંચતરણીનાં કેમ્પમાં ફસાયા હતા. તેને લઈ સીઆર પાટીલ અને શક્તિસિંહએ ટ્વીટ કર્યુ છે.
આ પણ વાંચો : Amarnath Yatra 2023: અમરનાથ યાત્રામાં ભૂસ્ખલનથી માર્ગ બંધ થયો, હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો, જુઓ Video
સીઆર પાટીલે ટ્વીટમાં જણાવ્યુ છે કે, યાત્રાળુઓનું રેસ્ક્યૂ કરવાનાં પ્રયાસો ચાલી રહ્યા હતા પણ ખરાબ હવામાનને કારણે કેમ્પ પર હેલિકોપ્ટર કે રેસ્ક્યૂ ટીમ પહોંચી શકે એમ નથી. એમને ઝડપથી રેસ્ક્યૂ કરવામાં આવે અને ત્યાં સુધી કેમ્પ પર એમને તમામ પ્રકારની સહાય મળી રહે એ માટે ત્યાંનાં પ્રશાસન સાથે સતત સંપર્કમાં હતો.
આજે સવારે સુરતનાં આ 19થી વધુ શ્રદ્ધાળુઓ રિનાબેન અને હિતેશભાઇ ઘારિયા, ક્રિષ્ના અને તેજસ દોહીવાલા, અશ્મિ અને દિપેશ ચેવલી, પિનલ અને નિશાન કાચીવાલા, જ્યોતિ અને સમીપ કાપડિયા, મીતા અને જનક દોહીવાલા, ભૂમિકા અને લક્ષ્મીનારાયણ ચોક્સી, દિપ્તી કબૂતરવાલા, પાયલ અને વિશાલ કટારીવાલા, નિલેશ અને ખૂશ્બુ જરીવાલાને કેમ્પમાંથી રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે, સૌ સલામત અને સ્વસ્થ છે, ખૂબ ઝડપથી સુરત પાછા ફરશે.
તો આ તરફ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કર્યુ છે. શક્તિસિંહ ગોહિલે ટ્વીટમાં, અમરનાથ યાત્રામાં ફસાયેલા ગુજરાતીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માગ કરી છે. શક્તિસિંહે ટ્વીટમાં CMO અને PMOને ટેગ કરી મુખ્યમંત્રી અને વડાપ્રધાનને કરી અપીલ કરી છે.
અમરનાથ યાત્રા પંચતરણી બેઝ કેમ્પમાં 4 દિવસ કરતા પણ વધારે સમયથી ગુજરાતના અનેક યાત્રીઓ ફસાયા છે. નીચે જવા માટે કોઈ સુવિધા નથી અને ત્યાં બહુ અગવડ અને ખૂબ કપરી હાલતમાં યાત્રાળુઓ ફસાયા છે. કેટલાક યાત્રાળુ બીમાર છે. તો આ યાત્રીઓને નીચે લઈ જવા માટે તાત્કાલીક ધોરણે રેસ્કયું કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
( વીથ ઈનપુટ – કિંજલ મિશ્રા, નરેન્દ્ર રાઠોડ)