
સુરતમાં (Surat) પાંચ દિવસથી કોરોનાના (Corona) કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શહેરમાં કોરોનાના નવા 1,004 કેસો આવ્યા, જેની સામે 3,490 દર્દીઓ કોરોનામાં સાજા થયા છે. ગ્રામ્યમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતા 472 નવા કેસો સામે આવ્યા છે. શહેર- ગ્રામ્યમાં મળીને કોરોનાના નવા 1,476 કેસો સામે 4,134 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળથી મુક્ત થયા હતા.
શહેર – ગ્રામ્યમાં કોરોનાની સા૨વાર લઈ રહેલા પાંચ દર્દીઓના મોત થયા છે. શહેરમાં મંગળવારે પણ નોંધાયેલા નવા કેસોમાં ઘટાડો થયો છે. શહેરમાં તમામ વિસ્તારમાં 300થી ઓછા કેસો નોંધાયા છે. ત્યારે 6 ઝોનમાં 100ની અંદર કેસો આવ્યા છે. રાંદેરમાં 295 કેસો આવ્યા છે. અઠવા ઝોનમાં 190 અને કતારગામમાં 142 કેસો નોંધાયા છે. વરાછા -એમાં 94 , ઉધના – એમાં 86 , વરાછા – બીમાં 80 , લીંબાયતમાં 63 , સેન્ટ્રલમાં 36 અને ઉધના – બીમાં 18 કેસો જાહેર થયા છે. એ સાથે મળીને કોરોના નવા 1,004 કેસો સામે આવ્યા છે. કુલ કેસોની સંખ્યા 1,56,829 પર પહોંચી છે. આજે 3,490 જેટલા કોરોનાના દર્દીઓ સાજા થયા હતા.
ભાઠેનામાં રહેતા 50 વર્ષિય આધેડ મહિલા અને સિંગણપોરમાં રહેતા 56 વર્ષિય આધેડને કોરોના પોઝિટીવ આવતા 21 જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંને દર્દીઓનું કોરોનાની સારવાર દરમિયાન મંગળવારે મોત નીપજ્યું હતું. આ સાથે જ મોતનો આંકડો 1,653 પર પહોંચ્યો છે.
ગ્રામ્યમાં કોરોનાના કેસોમાં એક દિવસના વિરામ બાદ વધારો નોંધાયો હતો. નવા 472 કેસો સામે આવ્યા છે. જેમાં કામરેજ તાલુકામાં 83, બારડોલી તાલુકામાં 76, મહુવા તાલુકામાં 62 , માંડવી તાલુકામાં 59 , ઓલપાડ તાલુકામાં 50 , પલસાણા તાલુકામાં 50 , ચોર્યાસી તાલુકામાં 42 , માંગરોળ તાલુકામાં 38 અને ઉમરપાડા તાલુકામાં 12 કેસો જાહેર થયા હતા. જે સાથે કુલ 39,120 કેસો સામે આવ્યા છે. ગ્રામ્યમાં 644 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
ત્યારે ત્રણ દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા હતા. મહુવામાં કાણીગામમાં રહેતા 73 વર્ષિય વૃદ્ધ , પુના ગામમાં રહેતા 70 વર્ષિય વૃદ્ધ અને ઓલપાડમાં રહેતા 82 વર્ષિય વૃદ્ધ કોરોનામાં સપડાયા હતા. જેઓનું મંગળવારે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું .આ સાથે કુલ મોતનો આંકડો 508 પર પહોંચ્યો છે.
સુરતમાં પાંચ દિવસમાં કોરોનાના કેસમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે એક્ટિવ કેસમાં પણ 34 ટકાનો ઘટાડો થયો છે. એટલું જ નહીં રિકવરી રેટ પણ 6 ટકા સુધી વધ્યો છે. હોસ્પિટલમાં જે દાખલ દર્દી પહેલા 396 હતા તે ઘટીને હવે 319 થઇ ગયા છે. એક્ટિવ કેસ પાંચ જ દિવસમાં 22,648થી ઘટીને 15,076 થયા છે. રિકવરી રેટ 83.94 ટકાથી વધીને 89.33 ટકા થયો છે.