Breaking News: સુરતમાં એક પિતાએ પરિવારના 4 સભ્યો પર કર્યો જીવલેણ હુમલો, પિતાને સમજાવવા વચ્ચે પડેલી દીકરીને હથિયારના 17 ઘા મારી કરી હત્યા

Surat: સુરતમાં એક પિતાએ પરિવારના 4 સભ્યો પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો. દીકરી પિતાને સમજાવવા વચ્ચે પડી તો તેને હથિયારના 17 ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. દીકરીના મોઢાના, શરીરના ભાગે 17 ઘા મારી હત્યા કરવામાં આવી હતી. હુમલામાં 2 પુત્ર, પત્ની પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.

Breaking News: સુરતમાં એક પિતાએ પરિવારના 4 સભ્યો પર કર્યો જીવલેણ હુમલો, પિતાને સમજાવવા વચ્ચે પડેલી દીકરીને હથિયારના 17 ઘા મારી કરી હત્યા
| Edited By: | Updated on: May 19, 2023 | 6:33 PM

સુરતના કડોદરામાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જેમા એક પિતા પર જાણે શેતાન સવાર હોય તેમ પરિવારના ચાર સભ્યો પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો (Attack) કર્યો. પિતાને સમજાવવા વચ્ચે પડેલી 19 વર્ષિય દીકરીને હથિયારના 17 ઘા મારી નરાધમ પિતાએ મોતને ઘાટ ઉતારી હતી. દીકરીના મોઢાના અને શરીરના ભાગે 17 ઘા મારી તેની નિર્મમતાથી સગા પિતાએ જ હત્યા કરી નાખી હતી. સુવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં આવેશમાં આવેલા પિતાએ મટન કાપવાના છરાથી પત્ની પુત્રી અને ત્રણ પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમા વચ્ચે પડેલી દીકરીને છરાના 17 ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી.

માતાને બચાવવા સંતાનો પહોંચતા હુમલો કર્યો

કડોદરામાં સત્યમ નગર વિસ્તારમાં રામાનુજ શાહુ (ઉં.વ.42) પત્ની રેખાદેવી (ઉ.વ.40), દીકરી ચંદાકુમારી (ઉં.વ.19) અને ત્રણ દીકરાઓ સૂરજ, ધીરજ અને વિશાળ સાથે રહે છે. મૂળ બિહારનો રામાનુજ મિલમાં મજૂરી કામ કરતો હતો. રાત્રે ધાબા પર પત્ની સાથે સુવા બાબતે રામાનુજનો ઝઘડો થયો હતો .આ ઝઘડાના કારણે દીકરી ચંદા અને તેના ત્રણ ભાઈઓ દોડી આવ્યા હતા. માતાને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો જોકે પિતાએ સગા દીકરાઓ અને દીકરી પર મટન કાપવાના છરાથી હુમલો કરી દીધો હતો.

દીકરીને મટન કાપવાના છરાથી 17 જેટલા ઘા માર્યા

રામાનુજે હુમલો કરતા પત્નીની આંગળીઓ કપાઈ ગઈ હતી. ત્યારબાદ તે થોડી દૂર જતી રહી હતી. માતાને બચાવવા આવેલા દીકરાઓ પર પણ પિતાએ હુમલો કર્યો હતો. જેમાં ત્રણે દીકરાઓને ઈજા પહોંચી હતી. જોકે પિતાના હાથમાં દીકરી આવી જતા તેના પર ઉપરા ઉપરી મટન કાપવાના છરાથી 17 જેટલા ઘા માર્યા હતા.

દીકરીનાં ચહેરાના બે ભાગ થઈ ગયા

માત્ર સુવા બાબતે થયેલા ઝઘડામાં પિતા એટલા ક્રૂર થઈ ગયા હતા કે મટન કાપવાના છરાથી દીકરીને હાથ અને ચહેરા પર ઘા માર્યા હતા. જેમાં દીકરીના ચહેરા પર મારવામાં આવેલા ઘાથી ચહેરાના બે ભાગ થઈ ગયા હતા. દીકરી નો ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે માતા અને ત્રણ દીકરાઓને બીજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  Surat : દીકરીનું હડકવાના લક્ષણ બાદ મોત થતા પરિવારના 30 સભ્યો રસી લેવા પહોંચ્યા, જુઓ Video

દીકરીની હત્યા કરનાર પિતાને ઝડપી પાડયો

ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને હત્યા કરનાર પિતા રામાનુજને ઝડપી પડ્યો હતો. ચંદાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેનું પોસ્ટમોર્ટમ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ ચંદાના મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:16 pm, Fri, 19 May 23