
સુરતમાં અશાંતધારા કાયદાના અમલને લઈને હવે સંત સમાજ પણ સક્રિય બન્યો છે. સંતો અને સ્થાનિક આગેવાનો પુરાવાઓ સાથે જિલ્લા કલેક્ટરને મળ્યા હતા અને અશાંતધારાના નિયમોનું કડક પાલન કરાવવાની માંગ કરી હતી. રજૂઆત દરમિયાન એવો આક્ષેપ કરવામાં આવ્યો કે નિયમોના અસરકારક અમલના અભાવે શહેરના કેટલાક જૂના વિસ્તારોમાંથી હિન્દુ અને જૈન સમાજના લોકો સ્થળાંતર કરવા મજબૂર બની રહ્યા છે.
રજુઆતમાં જણાવાયું કે ગોપીપુરા, એન.જી. ઝવેરી સ્કૂલ સામેનો વિસ્તાર, રંગીલાદાસની શેરી, હનુમાન ચાર રસ્તા વિસ્તાર, મહાવીર રત્ન શોપિંગ સેન્ટર, વિમલ એપાર્ટમેન્ટ તેમજ ગોપીપુરા એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારોમાંથી હિન્દુ પરિવારો હિજરત કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઉપરાંત દિવ્ય સ્વપ્ન એપાર્ટમેન્ટ, રંગ મંગલ એપાર્ટમેન્ટ, અંજના સોસાયટી, કાજીનું મેદાન, પંચોની વાડી સામેનો વિસ્તાર અને પરેશ એપાર્ટમેન્ટ જેવા વિસ્તારોમાં પણ અશાંતધારાના નિયમોનું યોગ્ય રીતે પાલન ન થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સંત સમાજના પ્રતિનિધિઓએ રજૂઆત દરમિયાન એવો પણ આરોપ લગાવ્યો કે તંત્રની કથિત મિલીભગતના કારણે મિલકતોની તબદીલી થઈ રહી છે. તેમના મતે, અશાંતધારા કાયદાનો હેતુ જળવાઈ રહે તે માટે નિયમોનો કડક અમલ કરવો જરૂરી છે. તેમણે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રજુઆતમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે હિન્દુ અને જૈન પરિવારોના સ્થળાંતરના કારણે આ વિસ્તારોમાં આવેલા ધાર્મિક સ્થળોના અસ્તિત્વ અને સુરક્ષાને લઈને પણ ચિંતાનો માહોલ ઊભો થયો છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે અને તેની તપાસની માંગ ઉઠાવવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલી રજૂઆતમાં સંત સમાજે અશાંતધારા કાયદાનું કડક પાલન કરાવવા, સ્થળાંતરના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવા અને જરૂરી વહીવટી કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે. જોકે, રજૂઆતમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે જિલ્લા વહીવટીતંત્ર તરફથી સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી.
સુરતીઓએ આ જ જોવાનું બાકી હતું ! શહેરમાં કાદવ કિચડથી સાંસદ ગોવિંદ ધોળકિયા પરેશાન