Surat : સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા એક પરિવારના દંપતિ વચ્ચે કલેશ ઉત્પન્ન થતા અંતે મહિલાએ પોતાના પતિ પાસે છૂટાછેડા (Divorce) માગ્યા હતા. યુવકે મહિલાને છૂટાછેડામાં 30 લાખ રૂપિયા આપવાનું કહ્યુ હતું. જો કે મહિલાએ વધુ માગણી કર્યા બાદ મહિલા 45 લાખ રૂપિયા લેવા માટે માની ગઈ હતી. જોકે મહિલાના પિતાએ વધુ પૈસાની લાલચે જમાઈ પાસેથી 50 લાખ અને વેસુ વિસ્તારમા 2 BHK ફ્લેટની માગણી કરતા યુવકે ના પાડી હતી. જેથી મહિલાના પિતાએ યુવકના માતા પિતા અને ભાઈ ભાભીને જાનથી મારી નાખવાની ધમકી આપી જમાઈનું ઘર સળગાવી દીધું હતું. સમગ્ર બનાવવામાં પોલીસે (Surat police) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અટકાયતી પગલા લીધા છે.
સુરતના ડીંડોલી વિસ્તારના વૃંદાવન રો હાઉસ ખાતે રહેતા યુવકના થોડા દિવસથી છૂટાછેડાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. બંને પક્ષે છૂટાછેડા આપી દેવાની વાત નક્કી થઈ હતી. જેમાં યુવતીને યુવકે છૂટાછેડામાં 30 લાખ આપવાની વાત કરી હતી. જોકે યુવતીએ 45 લાખ રૂપિયા માગ્યા હતા અને યુવક એ આપવા તૈયાર પણ થઈ ગયો હતો.
જો કે બાદમાં યુવતીનો પિતા વધુ પૈસાની લાલચમાં જમાઈને હેરાન પરેશાન કરતા હતા. સાથે જ ધમકીઓ પણ આપતા હતા. યુવતી ના પિતા 50 લાખ રૂપિયા અને વેસુ વિસ્તારમાં એક ફ્લેટની માગ કરતા હતા. જેથી અંતે યુવકે કંટાળી જઈ તેના સસરાને આટલી મોટી રકમ અને ફ્લેટ આપવાની ના પાડી હતી.
જમાઈએ રૂપિયાની અને ફ્લેટની ઘસીને ના પાડી દીધી હોવાથી ઉશ્કેરાઈ ગયેલા સસરાએ જમાઈના ઘરે જઈને જ્વલનશીલ પદાર્થ છાંટીને ઘર સળગાવી મૂક્યું હતું. જેથી ઘરમાં મુકેલો ફર્નિચરનો સામાન પાર્કિંગમાં મૂકેલી બે સાયકલ, એક બુલેટ ગાડી, એક મોપેડ ગાડી, પાવર સપ્લાય માટેનું ઇન્વર્ટર અને બે એસી જેવો મુદ્દા માલ બળીને ખાક થઈ ગયો હતો.
સોસાયટીના લોકોએ ઘટના અંગે યુવકને જાણ કરી હતી. જેથી યુવક પોતાના ઘરે પહોંચી ફાયર વિભાગને જાણ કરી અને સાથે સાથે પોલીસને પણ જાણ કરી હતી. ત્યારે ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા યુવતીના પિતાને ત્યાંથી પકડી લાવી હતી.અંતે યુવકની ફરિયાદ લઈ યુવતી અને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.