સુરતમાં રખડતા શ્વાનની ઘટનાઓમાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. આ ઘટનાઓ માતા-પિતાની ચિંતાઓમાં વધારો કરી રહી છે. સુરત જિલ્લામાં ફરી એક વાર રખડતા શ્વાને એક બાળકને નિશાન બનાવ્યુ છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કુંવરદા ગામમાં ઘરની બહાર રમી રહેલા 7 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કર્યો છે. શ્વાને બાળકના શરીર પર જીવલેણ બચકા ભરતા ઈજાગ્રસ્ત થયો હતો. સદનસીબે લોકો દોડી આવતા બાળકનો બચાવ થયો હતો. હાલ ઇજાગ્રસ્ત બાળકને પ્રાથમિક સારવાર તો અપાઈ છે, પરંતુ બીજી તરફ સુરત મહાનગરપાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
સુરતના માંગરોળ તાલુકાના કુંવરદા ગામમાં ઘરની બહાર રમી રહેલા એક સાત વર્ષના બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. રખડતા શ્વાને બાળકને બચકા ભરીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. જો કે ઘટના જોઇને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા, જેના કારણે બાળકનો આબાદ બચાવ થયો હતો. હાલ બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
7 year old minor attacked by a stray dog in rural area of #Surat #Gujarat #TV9News pic.twitter.com/PmUCwUK9cB
— Tv9 Gujarati (@tv9gujarati) March 13, 2023
મહત્વનું છે કે અત્યાર સુધીમાં સુરતમાં ડોગ બાઇટની અનેક ઘટનાઓ બનેલી છે. એક તરફ મનપા શ્વાનના ખસીકરણ પાછળ લાખોનો ધુમાડો કરી રહી હોવાનો દાવો કરે છે. તો બીજી તરફ ગ્રાઉન્ડ પર શ્વાનનો ત્રાસ યથાવત રહ્યાનું જણાય છે. છેલ્લા અઢી મહિનામાં શ્વાનના હુમલાનો આ પાંચમો ઘાતકી બનાવ છે.
19 ફેબ્રુઆરીએ સુરતના ખજોદ ડાયમંડ બુર્સ વિસ્તારમાં 2 વર્ષની બાળકી પર 3 શ્વાને હુમલો કરતા હોસ્પિટલ ખસેડાઈ હતી. તો 4 ફેબ્રુઆરીએ વેડ દરવાજા વિસ્તારમાં શાળાએ જઈ રહેલી બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો. આ અગાઉ 9 જાન્યુઆરીએ સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં ઘરની બહાર જ હડકાયા શ્વાને બાળકીનો ગાલ પર બચકુ ભરી લીધુ હતુ. 8 ફેબ્રુઆરીએ પલસાણામાં શ્વાને કરેલા હુમલામાં બાળકનું મોત થયુ હતુ. આવી અનેક ઘટનાઓ છતા કોર્પોરેશનના સત્તાધીશો કેમ કડક કાર્યવાહી કરતા નથી તેને લઈને લોકોમાં સવાલો ઉભા થયા છે.
Published On - 12:39 pm, Mon, 13 March 23