સુરતમાં બે વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ઈચ્છાપોર વિસ્તારમાં પરિવાર લગ્ન પ્રસંગમાં જતા તસ્કરો બે ઘરમાંથી 1.29 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા, જ્યારે લીંબાયત વિસ્તારમાં પરિવાર અગાસી પર નિંદ્રા કરી રહ્યા હતા, ત્યારે તસ્કરો ઘરમાંથી 1.39 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
આ પણ વાચો: Surat: માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો! 4 વર્ષના બાળકની અન્નનળીમાં ફસાયો નટ બોલ્ટ, જુઓ Video
પહેલા બનાવમાં સુરતના ઈચ્છાપોર દામકાગામ નાગર ફળિયામાં શૈલેષભાઈ રમણભાઈ પટેલ પરિવાર સાથે રહે છે ગતરોજ સવારે 10 વાગ્યે પરિવારના સભ્યો સાથે લગ્ન પ્રસંગમાં ભેસાણગામ ખાતે ગયા હતા. તે દરમ્યાન બપોરે લગ્ન પ્રસંગ પતાવીને બે વાગ્યે ઘરે પરત ફર્યા હતા ત્યારે ઘરનો દરવાજો ખોલતા તે અંદરથી ખૂલતો ન હતો, જેથી મકાનના પાછળના ભાગે જઈને જોતા ઘરનો દરવાજો ખુલ્લો અને ઘરમાં જઈને તપાસ કરતા સમાન વેર વિખેર જોવા મળ્યો હતો.
તેઓએ ઘરમાં તપાસ કરતા ઘરમાંથી અલગ અલગ સોનાના દાગીના તેમજ 10 હજારની રોકડ મળી કુલ 86 હજારની મત્તાની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. આ ઉપરાંત બાજુમાં રહેતા તેઓના કાકીના ઘરમાં પણ ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું તસ્કરો બાજુમાં રહેતા તેમના કાકી મણીબેનના ઘરમાંથી પણ 43 હજારની કિમતના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું. આમ તસ્કરો બે ઘરમાંથી કુલ 1.29 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે શૈલેષભાઈ પટેલે ઇચ્છાપોર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં લીંબાયત ત્રિકમનગર પાસે રહેતા યોગેશભાઈ રાવનભાઈ પાટીલ પરિવાર સાથે રહે છે. તેઓ પરિવારના સભ્યો સાથે તેના ઘરના ધાબા પર સુવા ગયા હતા, તે વખતે અજાણ્યા તસ્કરોએ તેઓના ઘરને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તેઓના ઘરનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી 1.24 લાખના સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા 10 હજાર આ ઉપરાંત મોબાઈલ તેમજ ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડ મળી કુલ 1.39 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે યોગેશભાઈ પાટીલે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો