સુરત (Surat)ના વરાછા રેલવે સ્ટેશન પાસે ટ્રાફિકની ભારે વિકટ સમસ્યા સર્જાય છે. ત્યારે આ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સુરતના અશ્વિનીકુમાર અને સુમુલ ડેરી રોડ વચ્ચે નવું રેલવે ગરનાળું બનાવવા માટે સ્થાયી સમિતિના સભ્ય દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. અહીં રોજના 25 હજાર કરતા વધારે ટુ વ્હીલર અને 400થી વધુ દૂધના કન્ટેનરની અવરજવર રહેતી હોય છે. જેથી પીક અવર્સમાં વરાછા રેલવે ગરનાળા પર ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય છે.
તેવામાં સ્થાયી સમિતિના સભ્ય દ્વારા મહાનગરપાલિકાના કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષને ટ્રાફિકની આ સમસ્યાના નિરાકરણ માટે નવા રેલવે ગરનાળાની ફિઝિબિલિટી ચકાસવા માટે સૂચન કર્યું છે. વરાછા રેલવે ગરનાળા પર ટપકતા ગંદા પાણીની સમસ્યા આમ પણ મોટો પ્રશ્ન છે. આ સમસ્યા નિવારવા માટે પાલિકાએ રેલવે વિભાગ પાસે લીઝ પર જગ્યા લીધી છે.
મહાનગરપાલિકા દ્વારા અસંખ્ય પ્રયત્નો કરવા છતાં પણ અહીં ટ્રાફિકની સમસ્યા જેમની તેમ છે. જો કે તેને નિવારવાના ભાગરૂપે અશ્વિનીકુમાર રોડ અને સુમુલ ડેરી રોડ વચ્ચે વધુ એક રેલવે ગરનાળું બની શકે કે કેમ તેની શક્યતા ચકાસવી જોઈએ અને જો ફિઝિબિલિટી શક્ય હોય તો રેલવે સમક્ષ આ અંગે પ્રપોઝલ મુકવી જોઈએ.
કેન્દ્રીય રાજ્ય રેલવે મંત્રી સુરતના હોવાથી સુરતની સ્થિતિથી તેઓ સારી રીતે વાકેફ છે અને જો તે ટેક્નિકલી સંભવ હોય તો રેલવે વિભાગ આ દિશામાં મહાનગપાલિકાને સકારાત્મક નિર્દેશ આપી શકે છે. સુરતના વરાછા વિસ્તારમાં જવું હોય કે પછી વરાછા વિસ્તારમાંથી સુરત તરફ આવવું હોય તો પીક અવર્સ દરમ્યાન લોકોને ભયંકર ટ્રાફિકજામનો સામનો કરવો પડે છે.
ખાસ કરીને સવારે અને સાંજના સમય દરમ્યાન ટ્રાફિક કલાકો સુધી જામ રહેતો હોય છે. જેથી જો અહીં રેલવે ગરનાળું બનાવવામાં આવે તો ટ્રાફિકની આ સમસ્યાનું નિરાકરણ થાય તેમ હોય આ દિશામાં શક્ય કામગીરી કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે. જેથી અહીં રોજિંદી અવરજવર કરતા લોકોને ટ્રાફિકજામની કાયમી સમસ્યામાંથી છુટકારો મળી શકે.
આ પણ વાંચો : Surat : દેશમાં કોરોના સામે લાંબી લડાઈ લડનારી મહિલા, પાંચ મહિનાની લાંબી સારવાર બાદ કોરોનાને માત
આ પણ વાંચો: Surat : શહેરમાં પ્લાસ્ટિકનો કચરો વીણતાં રેગ પીકર્સને તાલીમ આપવામાં આવશે