હાલ રંગેચંગે ગણેશ મહોત્સવ (Ganesh Festival) ઉજવાઈ રહ્યો છે. મુંબઈ પછી સુરતમાં આ ઉત્સવને ભારે શ્રદ્ધા અને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. ગયા વર્ષે કોરોનાના કારણે આ ઉત્સવ ગણેશ ભક્તો ઉજવી નથી શક્યા, પરંતુ આ વર્ષે સરકારે પરવાનગી આપતા ભક્તોએ ઘર આંગણે સાદાઈથી ગણેશજીની સ્થાપના કરી છે.
સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી થીમ બેઇઝડ (Theme) ગણેશજીની સ્થાપના કરવાનો અને ગણપતિના મંડપ તૈયાર કરવાનો ટ્રેન્ડ ખુબ વધી રહ્યો છે. તેમાં પણ કરન્ટ અફેર્સ અને સમાચારોની ઝાંખી ગણેશ ઉત્સવમાં અચૂકથી જોવા મળતી હોય છે. તાજેતરમાં જ કોરોના થીમ, તાઉ તે વાવાઝોડાની થીમ વગેરે થીમ પર ગણપતિ અને મંડપ તૈયાર કરવામાં આવ્યા હતા.
ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં ઓલિમ્પિકમાં ભારતે મેળવેલી ઝળહળતી સફળતાને લઈને મંડપની થીમ તૈયાર કરવામાં આવી છે. અડાજણ વિસ્તારમાં આવેલા મહાકાલ ગ્રુપ દ્વારા ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓની થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.
આ વર્ષે યોજાયેલી ટોકિયો ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતોમાં ભારતીય રમતવીરોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું છે. ત્યારે આ રમતોમાં ગોલ્ડ મેડલ મેળવનાર રમતવીરોની થીમ પર મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા 15 વર્ષથી મહાકાલ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. પણ આ વર્ષે ગણેશજીના મંડપની થીમ તદ્દન અલગ રાખવામાં આવી છે.
ગ્રુપના સભ્યોનું કહેવું છે કે તેઓ દેશના ખેલાડીઓને ડેડિકેશન આપવા માટે આ થીમ પસંદ કરી છે. આ માટે તેઓએ મંડપમાં પ્રતિમાની પાછળની બાજુ પર ભારતનો મોટો નકશો રાખવામાં આવ્યો છે. તેમજ મંડપની જમણી અને ડાબી બાજુ ઓલિમ્પિકમાં વિજેતા થયેલા 23 ખેલાડીઓના કટ આઉટ રાખવામાં આવ્યા છે.
તેઓએ ઉમેર્યું હતું કે આ થીમ તેમને એટલા માટે પસંદ કરી છે કારણ કે દેશના અસલી હીરો આ રમતવીરો જ છે. જેમણે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે અને આ થીમ દ્વારા તેઓ આ ખેલાડીઓને અભિનંદન પાઠવવા માંગે છે. જે પણ ગણેશ ભક્તો જોવા આવે તેઓ આ થીમનો મંડપ અને ગણેશજીની પ્રતિમાઓ જોઈને ખુબ ખુશ પણ થાય છે. સાથે સાથે દેશ માટે તેઓ ગૌરવ પણ અનુભવે છે. આમ ગણેશ ભક્તિની સાથે દેશ ભક્તિનો રંગ પણ ગણેશ મહોત્સવમાં જોવા મળે છે.