
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી SBI બેંકમાં થયેલી 50 લાખની લૂંટનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી શુભમ કુમાર ઠાકુર અને વિકાસ સિંઘ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ નકલી આધારકાર્ડ દ્વારા તેલંગાણાથી બાઈક ખરીદી હતી અને સુરતમાં પણ નકલી ઓળખ આપી ભાડે રહેતા હતા. હાલ તેમને સુરત લાવવા માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.
GSEB ધોરણ 12 સાયન્સના પરિણામમાં સુરતની નંદિની છોટાળાએ મેદાન માર્યું છે. આશાદીપ સ્કૂલની આ વિદ્યાર્થિનીએ 500 માંથી 479 ગુણ સાથે 95.80% મેળવી શાળા અને શહેરનું નામ રોશન કર્યું છે. નંદિનીએ ગણિતમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે અને તે ભવિષ્યમાં એન્જિનિયર બનવાની ઈચ્છા ધરાવે છે. પરિણામ આવતા જ શાળાઓમાં ઢોલ-નગારા અને મીઠાઈ સાથે ઉજવણીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
સુરતના લિંબાયતમાં સગીરાની છેડતીનો વિરોધ કરતા તેના પિતા અને પિતરાઈ ભાઈની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ વાહનોમાં તોડફોડ કરી હતી, જોકે પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમનું સરઘસ કાઢતા તેઓ માફી માંગતા જોવા મળ્યા હતા. બીજી તરફ, રાંદેર વિસ્તારમાં પોલીસકર્મીઓ અને બુટલેગરે નશામાં ધૂત થઈને એક લારીધારકને બેલ્ટ અને પાઈપથી માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો સાથેનો વીડિયો વાયરલ થતા પોલીસ તંત્ર પર સવાલો ઉભા થયા છે.
Published On - 7:42 pm, Mon, 4 May 26