Surat Corona Update: સુરતમાં(Surat ) કોરોનાના વળતા પાણીની શરૂઆત થઇ ગઈ હોય તે હવે આંકડા પરથી સાબિત થઇ રહ્યું છે. કોરોનાના છેલ્લા ઘણા મહિનાથી કેસો હવે સિંગલ ડિજીટમાં આવી રહી છે. બુધવારે પણ સુરત શહેરમાં કોરોનાનો ફક્ત એક જ કેસ મળી આવ્યો હતો. સૌથી સારા સમાચાર એ છે કે હવે વેન્ટિલેટર પર કોરોનાનો એક પણ દર્દી રહ્યો નથી.
સુરતના તબીબોનું માનવું છે કે વેન્ટિલેટર પર રહેલા દર્દીઓના મોત થવાની સંભાવના સૌથી વધારે છે. તેઓ સૌથી વધારે ક્રિટિકલ હાલતમાં હોય છે. પરંતુ હવે આ સમયે સિવિલ હોસ્પિટલમાં બે,સ્મીમેર હોસ્પિટલમાં બે અને ખાનગી હોસ્પિટલમાં બે એમ કુલ 6 દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ છે. આ બધા દર્દીઓ બાયપેપ અને ઓક્સિજન સપોર્ટ પર છે. પરંતુ તેમાંથી એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી.
એક સમય એવો હતો જયારે કોરોનાની બીજી લહેર પીક પર હતી ત્યારે દર્દીઓને વેન્ટિલેટર માટે ભટકવું પડતું હતું. સુરતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર પણ ઓછા પડતા હતા. દર્દીઓની સંખ્યા પણ એટલી બધી હતી કે વેન્ટિલેટર પણ ખૂટી પડતા હતા. અને દર્દીઓના મોત વેન્ટિલેટરની રાહ જોવામાં જ થઇ રહ્યા હતા.
પરંતુ હવે આટલા સમય બાદ સ્થિતિ ઘણી સામાન્ય થવા લાગી છે. ડોકટરોનું કહેવું છે કે જે દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેઓ પણ જલ્દી જ સાજા થઇ જશે. બુધવારે શહેરમાં 1 અને જિલ્લામાં 1 એમ કુલ 2 નવા કેસ સામે આવ્યા છે. અત્યારસુધી કુલ 1,43,597 જેટલા દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે. ગઈકાલે એક પણ દર્દીનું મોત થયું નથી. જોકે અત્યારસુધી 2115 મોત સરકારી ચોપડે નોંધાઈ ચુક્યા છે.
ગઈકાલે સુરત અને જિલ્લામાં અત્યારસુધી 4 દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી 1,41,428 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આમ હવે શહેર જિલ્લામાં કોરોના વિદાય લેતા નજરે ચડી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની બીજી લહેરમાં શહેરમાં અસંખ્ય કેસો નોંધાયા હતા. જેની મોટી અસર પણ જોવા મળી હતી.
જોકે હવે પરિસ્થિતિ પૂર્વવત થતા તંત્ર અને તબીબી સ્ટાફે પણ મોટી રાહત અનુભવી છે. ડોકટરો હવે રાહ જોઈ રહ્યા છે એ દિવસની કે જયારે હોસ્પિટલોમાં કોરોનાનો એક પણ દર્દી દાખલ ન હોય.
આ પણ વાંચો :