Surat સુરત મહાનગર પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરો પાસે કરોડો રૂપિયાના કામો કરાવવામાં આવે છે પરંતુ કામ મળ્યા બાદ આ જ કોન્ટ્રાક્ટરો શાસકોને ગાંઠતા જ ન હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શાસકોની નબળાઈ ગણો કે મનપાના અધિકારીઓની પરંતુ આજે તેઓના કારણે પાલિકાના આવાસના (aavas ) લાભાર્થીઓ(beneficiaries ) ચાર વર્ષથી ઘર માટે રીતસર કરગરી રહ્યા છે.
વેસુ વિસ્તારમાં આવેલ સુમન મલ્હાર આવાસમાં 15 દિવસ અગાઉ લાભાર્થીઓની ફરિયાદને ધ્યાને રાખી રાઉન્ડ લીધો હતો અને મેયર હેમાલી બોઘાવાલાએ કોન્ટ્રાક્ટરની ઝાટકણી કાઢી હતી પરંતુ ત્યારબાદ પણ કામગીરી હજુ ત્યાંની ત્યાં જ અટકી પડી છે જેથી લાભાર્થીઓએ આજે આવાસ પર હોબાળો મચાવ્યો હતો.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શહેરના અઠવા ઝોનમાં વેસુ વિસ્તારમાં સુમન મલ્હાર આવાસનું ખાત મુર્હૂત કર્યું હતું. જોકે આ ખાતમુહર્ત બાદ બે મુખ્યમંત્રી પણ બદલાઈ ગયાં હોવા છતાં હજુ સુધી આ આવાસોનો કબ્જો લાભાર્થીઓને મળ્યો નથી. લાભાર્થીઓને કબ્જો ન મળવા પાછળ કોન્ટ્રાક્ટર કટીરા કંસ્ટ્રક્શન અને પાલિકાના અધિકારીઓ જવાબદાર છે. લાંબા સમય બાદ પણ અસરગ્રસ્તોને આવાસ નહીં મળતાં તેઓએ આ મામલે મેયરને ફરિયાદ કરી હતી.
જેથી 15 દિવસ અગાઉ મેયરે સ્થળ મુલાકાત કરી અઠવા ઝોન અને સ્લમ વિભાગના અધિકારીઓ સાથે કોન્ટ્રાકટરની ઝાટકણી કાઢી આ આવાસોમાં લાભાર્થીઓ ધન તેરસ પહેલાં કુંભ ઘડો મુકી શકે તેવી રીતે કામગીરી કરવા માટે તાકીદ કરી હતી. મેયરના આદેશના બીજા જ દિવસે માત્ર દેખાડો કરવા માટે એક સાથે 60 વ્યક્તિનો સ્ટાફ મુકીને કામગીરી પણ શરૂ કરાવી દીધી હતી .પરંતુ 15 દિવસ બાદ હજુ પણ કામગીરી ત્યાંની ત્યાં જ અટકી પડી છે. જેથી આજે 400 થી વધુ લાભાર્થીઓ દ્વારા આવાસ પર હોબાળો મચાવવામાં આવ્યો હતો. તેઓએ ફરી મેયરને આજે સ્થળ વિઝીટ કરવા જણાવ્યું હતું પરંતુ મેયરે સ્થળ વિઝીટ ન કરતા લાભાર્થીઓ રોષે ભરાયા છે.
અધૂરા કામે રહેવા આવી જવાની લાભાર્થીઓની ચીમકી
વેસુ સુમન મલ્હાર આવાસના લાભાર્થી કિશન રાઠોડે જણાવ્યું હતું કે મેયરના આદેશ બાદ પણ કોન્ટ્રાક્ટરો કામ કરતા નથી. પાંચ દિવસમાં કામ પૂર્ણ કરવા મેયરે આદેશ આપ્યો હતો પરંતુ 15 દિવસ બાદ પણ હજુ કામગીરી પૂર્ણ થઇ નથી. જેથી આજે અકળાયેલા લાભાર્થીઓએ ચીમકી આપી હતી કે આગામી તારીખ 20 નવેમ્બર સુધીમાં જો કોન્ટ્રાકટર દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ અધૂરા કામે જ સામાન લઈને પરિવાર સાથે અહીં રહેવા આવી જશે.
આ પણ વાંચો : Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 30 કલાકનો યોગા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે
આ પણ વાંચો : સુરત : દેવઉઠી અગિયારસની ઉત્સાહભેર ઉજવણી, કંતારેશ્વર મહાદેવ મંદિર પરિસરને ઘીના દિવાઓથી શણગારાયું
Published On - 6:21 pm, Mon, 15 November 21