સુરત (Surat )સહિત સમગ્ર રાજ્યમાં દિવાળી વેકેશન(Diwali Vacation ) બાદ આજથી શાળાઓમાં (School )રાબેતા મુજબ શૈક્ષણિક કાર્યના શ્રીગણેશ થવા પામ્યા છે. જેને પગલે મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ તકેદારીના ભાગરૂપે તમામ ઝોનમાં અલગ – અલગ ટીમો દ્વારા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓના રેન્ડમલી રેપિડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે. દિવાળી વેકેશન બાદ કોરોના મહામારીને વકરતી અટકાવવા માટે મનપા દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ કવાયત બાદ હવે આજથી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર શહેરમાં આજથી ધોરણ 1થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ થવા પામ્યા છે. અલબત્ત, ધોરણ 1થી 7માં આજે ભુલકાઓની પાંખી હાજરી વચ્ચે માત્ર ધોરણ 8થી 12માં જ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શાળાએ પહોંચ્યા હતા. આ સ્થિતિમાં શાળાઓમાં કોરોનાની ગાઈડ લાઈનના ચુસ્ત અમલ વચ્ચે મનપાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પણ અલગ – અલગ શાળાઓમાં વિદ્યાર્થીઓના કોવિડ-19ના રેપિડ ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. તમામ ઝોનમાં ત્રણ – ત્રણ ટીમો મળી કુલ્લે 25 જેટલી ટીમો દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ધો. 1થી 5માં 95 હજારથી વધુ વિદ્યાર્થીઓ
શિક્ષણ મંત્રી દ્વારા આજથી રાજ્યભરમાં ધોરણ 1થી 5ના ઓફલાઈન અભ્યાસ શરૂ કરવાની જાહેરાતનો નગર પ્રાથમિક શિક્ષણ સિમિતની શાળાઓમાં જ ફિયાસ્કો જોવા મળ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આજે ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે વાલીઓની સમ્મતિની પ્રક્રિયા બાકી હોવાને પગલે સંભવતઃ આગામી એક – બે દિવસમાં નગર પ્રાથમિક શિક્ષણ સિમિતની શાળાઓમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવશે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શહેરમાં 300થી વધુ શાળાઓમાં ધોરણ 1થી 5માં 95 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જો કે, આજથી દિવાળી વેકેશન પુરૂં થતાં જ આ વર્ગોમાં પણ ઓફલાઈન અભ્યાસ શરૂ કરવાની શિક્ષણ મંત્રીની ઉતાવળે કરવામાં આવેલી જાહેરાત વચ્ચે વાલીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ સમિતિની શાળાઓમાં પણ વાલીઓની સમ્મતિ મેળવવાની બાકી હોવાને કારણે આજે મોટા ભાગની શાળાઓમાં ઓફલાઈન અભ્યાસનો પ્રારંભ થઈ શક્યો નહોતો.સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ની ગાઈડ લાઈનના ચુસ્ત અમલ સાથે હાલ માત્ર 50 ટકા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે. આ સિવાય ઓડ-ઈવન પદ્ધતિના આધારે ધોરણ 1થી 5માં અભ્યાસક્રમનો પ્રારંભ કરવામાં આવશે.
20 મહિનાઓ બાદ શાળાઓમાં ભુલકાઓનો કલરવ ગુંજ્યો
કોરોના મહામારીના 20 મહિના બાદ આજથી શાળાઓમાં ભુલકાઓના પ્રવેશને શિક્ષકો દ્વારા વધાવી લેવામાં આવી આવ્યા હતા. છેલ્લા 20 – 20 મહિનાથી શાળાઓના પ્રાંગણમાં ભુલકાઓનો કલરવની ખોટ વર્તાઈ રહી હતી. કોરોના મહામારી હાલ કાબુમાં આવતાં જ આજથી ધોરણ 1થી 5ના ઓફલાઈન વર્ગો પણ શરૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેને પગલે મોટા ભાગની શાળાઓમાં સંચાલકો અને શિક્ષકો દ્વારા ભુલકાઓનું ફુલ-હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કોવિડ-19ની ગાઈડ લાઈનના ચુસ્ત પાલન અને માત્ર 50 ટકા હાજરી જેવા આકરા નિયમો સાથે શરૂ થયેલા શૈક્ષણિક કાર્યમાં પહેલા દિવસે જો કે ભુલકાઓની પાંખી હાજરી જોવા મળી હતી. મોટા ભાગની ખાનગી શાળા સંચાલકો દ્વારા હજી માસુમ ભુલકાઓના વાલીઓની સંમતિ સહિતની પ્રક્રિયા લંબિત હોવાને કારણે પણ શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. જો કે, આગામી બે – ત્રણ દિવસમાં શહેરની તમામ ખાનગી શાળાઓમાં ધોરણ 1થી 5ના વર્ગો પણ રાબેતા મુજબ શરૂ થઈ જશે.
આ પણ વાંચો : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, “હું મંત્રી નહી, પણ પોલીસ પરિવારનો સભ્ય છું”
આ પણ વાંચો : સી.આર.પાટીલનું મોટું નિવેદન, કહ્યું “પોલીસને આ રીતે આંદોલન કરવાનો કોઈ અધિકાર નથી”