જમાનો આજે સોશિયલ મીડિયાનો(Social Media ) છે. લોકો સાથે કનેક્ટ રહેવું હોય તો તમારે સોશિયલ મીડિયાના માધ્યમ સરળ રહે છે. અને તેમાંય નેતાઓ ની વાત આવે તો ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી. વિકાસના કામોની વાત કરવી હોય કે સત્તા પક્ષ પર પલટવાર કરવાનો હોય તમારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક્ટિવ રહેવું જ પડે.
સમયની સાથે હવે રાજકીય ક્ષેત્ર પણ હાઈટેક(Hitech) થઇ ગયું છે. આજે રાજ્ય લેવલથી લઈને સ્થાનિક નેતાઓ તમામ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરતા થયા છે. અને લોકો સાથે જોડાયેલા રહેવા સતત સંપર્ક કરે છે. અને પ્રયત્નશીલ દેખાઈ રહ્યા છે. જયારે કોંગ્રેસ હજી પણ આ મામલે ખુબ પાછળ દેખાઈ રહી અચ્છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી બાદ ભાજપે પોતાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને કાર્યકરોને સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા રહેવા આદેશ આપ્યો હતો. જોકે મોટા ભાગના નગરસેવકો આ મામલે આળસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
ભાજપના આઇટી સેલ દ્વારા તમામ નગરસેવકોને સોશિલ મીડિયાના પ્લેટફોર્મ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તે પછી એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના ચૂંટાયેલા 93 કોર્પોરેટરો માંથી ફક્ત 23 કોર્પોરેટરો જ સતત સક્રિય હોવાનું બહાર આવ્યું છે. જયારે 70 કોર્પોરેટરો સોશિયલ મીડિયાનો પૂરતો ઉપયોગ નહીં કરતા હોવાનું સામે આવ્યું છે.
ઘણા કોર્પોરેટરોને તો તેમાં ઝીરો માર્ક પણ મળ્યા છે. તેથી પક્ષ દ્વારા તમામ કોર્પોરેટરોને સોશિયલ મીડિયામાં એક્ટિવ રહીને પ્રજા માટે થતા કામો અને સરકારની યોજનાઓ વગેરે બાબતે લોકો સુધી પહોંચાડતા રહેવાની તાકીદ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે સોશિયલ મીડિયા હવે એવું માધ્યમ છે જ્યાં લોકો સાથે આસાનીથી સંપર્કમાં રહી શકાય છે.
પોતાના વોર્ડ વિસ્તારમાં કરેલા વિકાસ કામોની વાત હોય સરકારની વિવિધ યોજનાઓ હોય કે પછી વિપક્ષ પર પલટવાર કરવાનો હોય, હવે ઓનલાઈનના આ માધ્યમથી જ લોકો સુધી પહોંચીને તેમનો વિશ્વાસ જીતી શકાય તેમ છે. આવનારા દિવસોમાં હવે વિધાનસભા ચૂંટણી આવી રહી છે. અને તેના ભાગરૂપે જ હવે નગરસેવકોને પણ સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી રહી છે.