તાલિબાનીઓ દ્વારા કાબુલની સાથે આખા અફઘાનિસ્તાન પર કબ્જો કરી લેવામાં આવતા સુરતમાં અભ્યાસ અર્થે અફઘાનિસ્તાનથી આવેલા વિદ્યાર્થીઓ પોતાના પરિવારને લઈને ચિંતામાં મુકાયા છે. આ વિદ્યાર્થીઓ અહીં તો સુરક્ષિત છે પણ તેમના માતાપિતા અને પરિવારોને પણ સુરત લાવવામાં આવે અથવા તેમની સાથે વાતચીત કરાવી આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
20 વર્ષમાં અમેરિકા અને તેના સાથી દેશોએ અફઘાનિસ્તાનની કાયાપલટ કરવાનું અભિયાન ચલાવ્યું હતું. જેનો અંત ખરાબ આવ્યો છે. અફઘાનિસ્તાનના પશ્ચિમી દેશોએ તાલીમ આપેલા સલામતી દળો તાલિબાન સામે ઘૂંટણિયે પડી ગયા છે. અમેરિકનું સૈન્ય હજી આ મહિનાના અંતમાં પાછું ખેંચાવાનું છે. પણ તેના એક અઠવાડિયા પહેલા તાલિબાનોએ સત્તા કબ્જે કરી લીધી છે.
તેવામાં સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા 4 યુવતી અને 3 યુવક તેમજ એસવીએનઆઇટીમાં અભ્યાસ કરતા 7 એમ કુલ 14 વિદ્યાર્થીઓ પોતાના પરિવારની સલામતીને લઈને ચિંતામાં મુકાયા છે. અફઘાનિસ્તાનમાં રહેતા પરિવારજનો કપરી સ્થિતિમાં મુકાયા હોવાથી ભારત સરકાર દ્વારા તેમને આશરો આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે અફઘાનિસ્તાનની સ્થિતિ ખુબ ખરાબ થઇ ગઈ છે . દેશને ખરાબ સ્થિતિમાં છોડીને રાષ્ટ્રપતિ સહિતના નેતાઓ ભાગી છૂટ્યા છે. તેના કારણે તેઓને પરિવારની ચિંતા વધારે સતાવી રહી છે. કારણ કે 21 વર્ષ પહેલા પણ જયારે તાલિબાનીઓએ અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો હતો ત્યારે તેઓએ મહિલાઓ અને બાળકો પર પણ ભારે ક્રૂરતા બતાવી હતી.
આ વિદ્યાર્થીઓ કુલપતિ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળીને સરકારમાં રજુઆત કરવાની વિનંતી કરી છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનના વિદ્યાર્થીને રહેવા અને જમવામાં તેમજ તેમના પરિવારનો સંપર્ક કરવા માટેની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતમાં આ વિદ્યાર્થીઓ ખુબ સલામતી અનુભવી રહ્યા છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સટીમાં પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં 3, પીએચડીનો અભ્યાસ કરી રહેલા 2 વિદ્યાર્થીઓ તેમજ એમ.એસ.સી. મેથ્સનો અભ્યાસ કરી રહેલા 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ તમામ વિદ્યાર્થીઓ પરિવારજનો સાથે સતત સંપર્કમાં રહી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરવા યુનિવર્સીટી દ્વારા પણ ખાતરી આપવામાં આવી છે.
ભાજપ પ્રમુખ દ્વારા પણ આ વિદ્યાર્થીઓને મળીને તેમની ચિંતાઓ હળવી કરીને તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તે અંગે ખાસ ધ્યાન રાખવા ખાતરી આપવામાં આવી છે.
આ પણ વાંચો : Surat માં દેશના પ્રથમ ઓક્શન હાઉસમાં સિન્થેટિક ડાયમંડનું ઓક્શન યોજાયું, વેપારીઓને થશે ફાયદો
આ પણ વાંચો : Surat : હવે અધવચ્ચેથી અભ્યાસ છોડી જનારા વિદ્યાર્થીઓને પણ VNSGU પ્રમાણપત્ર આપશે