રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યૂગલ ફુંકાઈ ચૂક્યું છે. રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશ્નરના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરી મતદાન યોજાશે. જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.
આ અંગે 27 જાન્યુઆરીએ ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. તો 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. તેમજ 3 ફેબ્રુઆરી સુધી ફોર્મ ચકાસણી થશે અને 4 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. 16 ફેબ્રુઆરીએ મતદાન સવારે 7 થી સાંજે 6 સુધી મતદાન થશે. રાજ્યની કુલ 2,178 બેઠકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ચૂંટણીના વિસ્તારોમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.
જુનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાની સાથે ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજાશે. તો બોટાદ, વંથલી, વાંકાનેર પાલિકાની મધ્યસત્ર ચૂંટણી યોજાશે. જ્યારે રાજ્યની 3 મહાનગરપાલિકા અને નગરપાલિકાની 21 બેઠકો પર પેટાચૂંટણીનો જંગ જામશે. આ સિવાય 9 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પણ પેટાચૂંટણીનો જંગ જોવા મળશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મતદાન નહીં યોજાય. તાજેતરમાં રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવ-થરાદ જિલ્લો જાહેર કર્યો હતો. ત્યારે બનાસકાંઠાની હદમાં ફેરફારને પગલે ચૂંટણી નહીં યોજવાનો નિર્ણય રાજ્ય ચૂંટણી પંચે કર્યો છે. જેમાં થરાદ, ધાનેરા, વિજાપુર અને ઈડરમાં ચૂંટણી નહીં યોજાય સાથે જ ગ્રામ પંચાયતોની પણ હાલ ચૂંટણી નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે.
(With Input : Kinjal Mishra)
Published On - 5:02 pm, Tue, 21 January 25