કાળઝાળ ગરમી (Heat) વચ્ચે રાજ્યમાં બે દિવસ ગંભીર હીટવેવ (Heatwave) ની હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી પ્રમાણે રાજ્યમાં 45 ડિગ્રી સુધી ગરમીનો પારો જઇ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ગુજરાત (Gujarat) ના મોટાભાગના શહેરોમાં એપ્રિલ મહિનાની ગરમીએ પાછલા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. મોટાભાગના શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે. જેના કારણે લોકોનું ઘરની બહાર નીકળવુ પણ મુશ્કેલ થઇ ગયુ છે. તો ગરમીને કારણે બીમારીઓ વધવાની શક્યતાને પગલે હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના શહેરોમાં સિવિયર હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજકોટ અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તથા અમદાવાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, કચ્છ, જૂનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટમાં 43થી 45 ડિગ્રી સુધી તાપમાન જઇ શકે છે, જ્યારે યલો એલર્ટમાં 41થી 43 ડિગ્રી સુધી તાપમાન જઇ શકે છે. બે દિવસ બાદ તાપમાન 2 ડિગ્રી સુધી ઘટી શકે છે. જો કે ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. હવામાન વિભાગે લોકોને જરૂર વગર બહાર ન નીકળવા અને ગરમી-લૂથી બચવા વિવિધ ઉપાયો કરવા અપીલ કરી છે.
ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી સૂર્ય નારાયણ પ્રકોપ વરસાવી રહ્યાં છે. અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં એપ્રિલ મહિનાની ગરમીએ પાછલા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી કંડલા એરપોર્ટ પર 45.2 ડિગ્રી નોંધાઈ છે. તો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી ગરમી પડી છે. ઉત્તર ગુજરાતના ગાંધીનગર અને ડીસામાં પણ 43.8 ડિગ્રી ગરમી રેકોર્ડ થઈ. રાજકોટ, વડોદરા, કેશોદ સહિતના શહેરોમાં પણ ગરમીનો પારો ઉંચકાતા લોકો પરેશાન થઈ રહ્યાં છે. સૂર્યનારાયણના પ્રકોપના પગલે બપોરે મોટાભાગના માર્ગો સૂમસામ બની જાય છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો-રાજ્યમાં 954 સેન્ટર પર લોકરક્ષક દળની પરીક્ષા લેવાશે, 2.95 લાખ ઉમેદવારને કોલ લેટર ઈશ્યુ કરાયા
આ પણ વાંચો-Surat : જિંદગીની “પરીક્ષા”નો અંતિમ દિવસ, વિદ્યાર્થિનીનું અકસ્માતમાં કરૂણ મોત
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો