સાગબારામાં જંગલની જમીનના હકનો વિવાદ વકર્યો, 15 નવેમ્બરે હક્કપત્ર નહીં મળે તો લીલા વસાવાએ ઉચ્ચારી આત્મ વિલોપનની ચીમકી

નર્મદાના સાગબારામાં જંગલની જમીનના હક્કપત્રો મુદ્દે વિવાદ વકર્યો છે. આદિવાસી આગેવાન લીલા વસાવાએ 15 નવેમ્બર સુધીમાં હક્કપત્ર નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે 12 નવેમ્બરે માંડવી TSP કચેરીએ રજૂઆત કરાશે, જો માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન ઉગ્ર બનશે.

| Edited By: | Updated on: Nov 09, 2026 | 9:37 PM

નર્મદાના સાગબારામાં જંગલની જમીનના ખેડાણ અને હકપત્રના મુદ્દે વિવાદ વકર્યો છે. આદિવાસી ખેડૂતોને જંગલની જમીનના હકપત્રો આપવાની માગ સાથે આદિવાસી આગેવાન લીલા વસાવાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. તેમણે સરકાર અને વહીવટી તંત્રને 15 નવેમ્બર સુધીમાં તમામ ખેડૂતોને હકપત્રો આપવાની માગ કરી છે. લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં આદિવાસી આગેવાનો અને સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

15 નવેમ્બર સુધીમાં હકપત્ર નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી

આદિવાસી આગેવાન લીલા વસાવાએ સ્પષ્ટ કર્યું છે કે, 15 નવેમ્બર સુધીમાં તમામ ખેડૂતોને તેમના હકપત્રો આપવામાં આવે અને જંગલ ખાતા તરફથી જમીન પરના હકનો પ્રશ્ન ઉકેલવામાં આવે તેવી તેમની માગ છે. તેમણે જણાવ્યું કે, ખેડૂતોને તેમના હક અને અધિકાર લેખિતમાં આપવામાં આવે તો તેઓ તેને સ્વીકારવા તૈયાર છે. પરંતુ જો ન્યાય નહીં મળે તો 15 નવેમ્બરના રોજ આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

12 નવેમ્બરે માંડવી TSP કચેરીએ ખેડૂતો એકત્ર થશે

આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ પણ સરકારની નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, જંગલની જમીનના હક સહિતના પડતર પ્રશ્નોને લઈને 12 નવેમ્બરે આદિવાસી ખેડૂતો માંડવીની TSP (ટ્રાઇબલ સબ પ્લાન) કચેરી ખાતે એકત્ર થઈ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરશે.

માગણીઓ નહીં સંતોષાય તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી

સંદીપ માંગરોલાના જણાવ્યા અનુસાર, ખોપી ગામે ખેડૂતો સાથે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી છે. જેમાં 12 નવેમ્બરે માંડવી TSP કચેરીએ જઈને ખેડૂતોના જમીન સંબંધિત દાવાઓ અને પડતર પ્રશ્નો અધિકારીઓ સમક્ષ રજૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જો રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. તેમણે ચીમકી આપી છે કે આ આંદોલન માત્ર બાર ગામ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ ગુજરાતના સમગ્ર પૂર્વ પટ્ટામાં ફેલાઈ શકે છે. હવે સરકાર અને વહીવટી તંત્ર આદિવાસી ખેડૂતોના જમીન હકના પ્રશ્ને શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

“સામાન્ય માણસની હાય ક્યારેય ન લેતા…” નવા વર્ષે Dy.CM હર્ષ સંઘવીએ આવુ કેમ કહ્યુ?- જુઓ Video

 

 

Follow Us
Loading...
Unable to load recommendations.