અમદાવાદીઓ ઝેરી શાકભાજી આરોગતા પહેલા ચેતી જજો! જાણો સાબરમતીના કેમિકલયુક્ત પાણીનો આ અહેવાલ

|

Oct 17, 2021 | 11:43 PM

સાબરમતી નદીમાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવે છે. આ પાણીથી આસપાસના ખેતરોમાં શાકભાજી ઉગે છે. જે કેન્સર સહિતની અનેક ગંભીર બીમારીને આમંત્રણ આપી રહ્યા છે.

અમદાવાદના લોકો જે લીલા શાકભાજી ખાય છે એમાં જાણે અજાણે ઝેરની માત્રા પણ છે. આ જાણીને તમને આઘાત લાગી શકે પરંતુ આ હકીકત છે. કોર્ટે હવે કડક પગલાં લેવાની સાથે જીપીસીબી, AMCને આદેશ પણ આપ્યા છે પરંતુ હાલ તો સાબરમતી નદીમાં છોડાતા કેમિકલયુક્ત ઝેરી પાણીથી જ નદીની આસપાસના ખેતરોમાં શાકભાજી ઉગે છે. જે કેન્સર સહિતની અનેક ગંભીર બીમારીને આમંત્રણ આપી રહ્યા છે.

અમદાવાદના ઉદ્યોગોના પાપે પવિત્ર સાબરમતી નદીની ખરાબ હાલત થઈ છે. વટવા, ઓઢવ અને નારોલની ફેક્ટરીઓનું ઝેરી કેમિકલવાળું પાણી છોડવામાં આવે છે. જે અમદાવાદથી આગળ વધી નાની વણઝાર, મોટી વણઝાર, કમોડ, બાંકરોલ, કાસિન્દ્રા, નવાપુરા, સરોડા સહિતના 25થી વધુ ગામમાં થઇ ખંભાતના અખાતમાં જાય છે. આ પાણી દ્વારા આ ગામડાઓના ખેડૂતો શાકભાજી ઉગાડે છે. અને એ જ શાકભાજી પરત અમદાવાદ આવે છે. અમદાવાદીઓ આ શાકભાજીને હોંશે હોંશે આરોગે છે. જેમાં મોટા પ્રમાણમાં મેટલ્સ, આરસેનિક, મર્ક્યુરી, ક્રોમિયમ નામના તત્વો હોય છે જે કેન્સરને આમંત્રણ આપી શકે છે. ડૉક્ટરોના મતે કેમિકલયુક્ત પાણીથી ઉગાડેલા આ શાકભાજી ખાવાથી કેન્સર અને આંતરડાની ગંભીર બીમારીઓ સહિતની સમસ્યાઓ થઈ શકે છે.

વાસણા બેરેજ પાસેથી સાબરમતી નદીમાં ફેક્ટરીઓનું કેમિકલયુક્ત પાણી ટ્રીટ કર્યા વિના જ ઠાલવવામાં આવે છે. આ પાણી સાબરમતી નદીમાં ધોળકા તાલુકાના ગામડાઓમાં જાય છે. જેનો ઉપયોગ ખેડૂતો શાકભાજી ઉગાડવા માટે કરે છે. કેમિકલયુક્ત પાણીના વપરાશને કારણે શાકભાજીમાં પણ ઝેરી કેમિકલની અસર આવે છે. આ શાકભાજી અમદાવાદના માર્કેટમાં જ વેચાવા આવે છે અને અમદાવાદીઓ તેને રોજબરોજ આરોગે છે. જેનાથી ઝેરી રસાયણો અમદાવાદીઓના પેટમાં જાય છે. ઝેરી રસાયણો વાળા શાકભાજી આરોગવાને કારણે અમદાવાદીઓમાં કેન્સર થવાના કેસો વધી રહ્યા છે. આ અંગે જીપીસીબીના અધિકારીઓ કંઇ કહેવા તૈયાર નથી. અધિકારીઓને આ બાબતે જાણ હોવા છતાં આંખ આડા કાન કરે છે. આ બાબતે સમયસર પગલાં લેવામાં નહીં આવે તો લાખો અમદાવાદીઓનો જીવ જોખમમાં મુકાશે એ નક્કી છે.

 

આ પણ વાંચો: ક્રિકેટ નહીં, બદલો જોઇએ: પાક સાથે રમત જ નહીં તમામ સંબંધો પૂર્ણ કરી દેવા જોઇએ, શહીદ પરિવારની વેદના

આ પણ વાંચો: ‘ગુનેગારો સામે સખત પગલાં, નાગરિકો સાથે સારું વર્તન’: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી

Next Video