સાબરકાંઠા બેંકની ચુંટણીમાં કોના ફોર્મ માન્ય રહ્યા અને કોના અમાન્ય રહ્યા એ અંગેનુ ચિત્ર હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યુ નથી. સોમવારે આ ચિત્ર સ્પષ્ટ થઈ જવાની શક્યતા છે. ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ રજૂ થયા બાદ રવિ હસમુખભાઈ પટેલે વાંધો ઉઠાવતા જ મામલો જાણે કે ગુંચવાયો હતો. રવિ પટેલે વર્તમાન ચેરમેન સહિત 12 ઉમેદવારોના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો હતો અને ફોર્મ રદ કરવાની માંગ કરી હતી. બેંકીંગ રેગ્યુલેશન એક્ટની કલમ મુજબ ઉમદવારી સુસંગત નહી થતી હોવાની રજૂઆત કર્યા બાદ ચુંટણી અધિકારી દ્વારા વાંધા અરજીના સંદર્ભમાં કાર્યવાહી શરુ કરી હતી. જેને લઈ આજે ચૂંટણી અધિકારી નિર્ણય જાહેર કરીને આગળની કાર્યવાહી શરુ કરશે.
સાબરકાંઠા જિલ્લા સહકારી મધ્યસ્થ બેંકના 18 ડિરેક્ટરોની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. આ માટે થઈને છેલ્લા એકાદ મહિનાથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી બેંકની સત્તાને લઈ માહોલ ચર્ચાનો બન્યો હતો અને સવાલો થઈ રહ્યા હતા કે હજુ એક જ પરિવારમાં સત્તા જારી રહેશે કે બદલાશે. જોકે હવે બાયડના ધારાસભ્ય અને સાબરકાંઠાના સાંસદ પણ ડિરેક્ટર બનવા માટે મેદાને ઉતર્યા છે.
બેંકના ચેરમેન સહિત 12 ઉમેદવારોની ઉમેદવારી ફોર્મને રદ કરવા માટે રવિ હસમુખભાઈ પટેલે રજૂઆત કરી છે. રવિ પટેલે લેખિત વાંધો રજૂ કરતા બતાવ્યુ હતુ કે, ધ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 10 (A) 2 (A) ની મુજબ વાંધો દર્શાવેલ ઉમેદવારો ગેરલાયકાત ધરાવતા હોઈ ઉમેદરવારી ફોર્મ રદ કરવા માટે અરજી કરી છે. રજૂઆતમાં દર્શાવ્યુ છે કે, કાયદાનુસાર આ ઉમેદવારો ભરેલ ફોર્મ ગેરલાયકાત વહોરે છે. તેઓ 10 કે તેથી વધુ વર્ષથી સાબરકાંઠા બેંકના ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેથી તેઓને ઉમેદવાર તરીકે ગેરલાયક ઠેરવવા માટે ઉમેદવારી ફોર્મ રદ કરવા માટે રજૂઆત કરી છે.
ગત 30, જૂને ચુંટણી ફોર્મની ચકાસણી થનારી હતી. પરંતુ ચુંટણી ફોર્મની ચકાસણી સાથે આ વાંધાને લઈ ચૂંટણી અધિકારી દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. ઉમેદાવારોએ પોતાના બચાવ રજૂ કર્યા હતા અને હવે આ મામલે સોમવાર એટલે કે 3, જુલાઈએ નિર્ણય આવી શકે છે. ત્યાર બાદ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થવા માટે 7, જુલાઈ સુધી રાહ જોવામાં આવશે. શુક્રવારે ઉમેદવારી ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ છે. જે દિવસે આખરી ચિત્ર સ્પષ્ટ હશે કે કેટલા ઉમેદવારો મેદાને રહ્યા છે.
બંને જિલ્લાના માટે મહત્વની બેંકના સત્તાના સુત્રો યોગ્ય હાથોમાં રહે એ જરુરી છે. આ માટે સતત આ પ્રકારની રજૂઆતો થતી રહી છે. આ દરમિયાન બેંકની ચુંટણીમાં સાંસદ દિપસિંહ રાઠોડે પણ ઉમેદવારી નોંધાવી છે. જોકે તેઓએ ભાજપ મેન્ડેટ આપશે તો જ ચુંટણીમાં ઉમેદવારી ચાલુ રાખશે. આ ઉપરાંત બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ મેદાને ઉતર્યા છે. બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ, મોડાસાના કોંગ્રેસી આગેવાન અને પૂર્વ ધારાસભ્ય રાજુ ઠાકોર સહિતના નેતાઓએ પણ ચુંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી છે.
Published On - 8:35 am, Mon, 3 July 23