શામળાજીથી ચિલોડા નેશનલ હાઈવેમાં સર્વિસ રોડ પર નબળા પેવરને કારણે માત્ર બેથી ત્રણ મહિનામાં જ તૂટી જવા પામ્યા છે. સર્વિસ રોડ પર કરવામાં આવેલ નબળા ડામર કામને લઈ પ્રથમ વરસાદમાં જ ખાડા સર્જાયા છે. તો વળી હિંમતનગર સહિત અને ઠેકાણે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. જેને લઈ હવે સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું છે.
નેશનલ હાઈવે પર પડતી હાલાકીને લઈ હવે સાંસદે હાઈવે ઓથોરિટીના કાન આમળ્યા છે. સાંસદ દ્વારા આ અંગે પત્ર લખીને યુદ્ધના ધોરણે હાઈવે પરના ખાડાઓનું સમાર કામ હાથ ધરવા માટે કાર્યવાહી કરવા હાઈવે ઓથોરિટીને કહ્યું છે.
નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને સાંસદ શોભનાબેન બારૈયાએ પત્ર લખીને જણાવ્યું છે, કે, રતનપુરથી ચિલોડા વચ્ચેના નવા નિર્માણ પામી રહેલા સિક્સ લાઈન હાઈવે પર ખાડા સર્જાયા છે. સર્વિસ રોડની હાલત પણ ખરાબ છે. આવી સ્થિતિમાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જેને લઈ યુદ્ધના ધોરણે નેશનલ હાઈવે પરના ખાડાઓનું સમારકામ હાથ ધરવા માટે પત્ર લખ્યો છે.
ઉપરાંત તાજપુર, મજરા, ગીયોડ, પ્રાંતિજ, હિંમતનગર અને ગાંભોઈના ઓવરબ્રિજ પાસના સર્વિસ રોડની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ સર્વિસ રોડને પણ તાત્કાલીક રિપેર કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ સર્વિસ રોડ નબળી ગુણવત્તાના નિર્માણ કરવામાં આવ્યા હોવાને લઈ પ્રથમ વરસાદમાં જ તૂટી જવા પામ્યા છે. માંડ બે-ચાર મહિના પણ આ સર્વિસ રોડ તૈયાર કર્યાને થયા નથી અને તે તૂટી જવા પામ્યા છે. જેને લઈ સ્થાનિકોમાં હાઈવે ઓથોરિટીની નબળી કામગીરીથી પરેશાનીને લઈને પણ રોષ વર્તાયો છે.
તો વળી ચોમાસામાં શામળાજીમાં પણ ચોમાસા દરમિયાન સમસ્યા સર્જાય છે. પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના બજારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પાછળ હાઈવેની ઉંચાઈને જવાબદાર માનવામાં આવી રહી છે. આ સમસ્યા અંગે પણ તાકીદે નિવારણ લાવવા માટે સાંસદ શોભનાબેને પત્ર લખ્યો છે. જેમાં ડ્રેનેજ લાઈનથી લઈને અન્ય યોગ્ય વ્યવસ્થાઓ તૈયાર કરવા માટે જણાવવામાં આવ્યું છે.
જ્યારે શામળાજી પ્રસિદ્ધ યાત્રાધામ હોઈ આ અંગેનું કોઈ સાઈન બોર્ડ નહીં હોવાને લઈ યાત્રાળુઓને મુશ્કેલી પડી રહી છે. આ અંગે પણ યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ માટે ભગવાન શામળિયાની તસ્વીર સાથેનું સાઈન બોર્ડ લગાવવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીને જણાવવામાં આવ્યું છે.