સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના તલોદ નગર પાલિકાના ભાજપ (BJP) ના 7 કોર્પોરેટરોએ રાજીનામા ધરી દઇ રાજકિય ગરમાવો લાવી દીધો હતો. પરંતુ હવે સાતેય નગર સેવકોની વાત પક્ષ સંગઠને સ્વિકારી લેતા મામલો હવે સમેટાઇ ચુક્યો છે. આ ઉપરાંત હવે તલોદ નગર પાલિકા (Talod Nagar Palika) માં પ્રતિ સપ્તાહે સભ્યો સાથે પક્ષ શહેર પ્રભારી સીધો સંવાદ કરતા રહેવાની ખાતરી અપાઇ છે. જિલ્લાના રાજકારણમાં એકાએક જ તલોદ નગર પાલિકાની ઘટનાએ ગરમાવો લાવી દીધો હતો.
સામાન્ય સભામાં ડખો સર્જાયા બાદ તુરત જ સાત સભ્યોએ રાજીમાના ધરી દીધા હતા અને વધુ 3 કોર્પોરેટરોના રાજીનામાની કોપી સોશિયલ મીડિયામાં ફરવા લાગી હતી. કોર્પોરેટરોએ રાજીનામા ધરીને પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્ય સામે આક્ષેપો કર્યા હતા. સ્થાનિક ધારાસભ્ય પાલિકામાં જરુર કરતા વધુ દખલગીરી કરી કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ ભ્રષ્ટાચારનુ પ્રમાણ પણ વધવા લાગ્યુ હોવાનો આક્ષેપ કોર્રપોરેટરોએ કર્યો હતો.
જોકે ત્યાર બાદ સ્થાનિક સંગઠન દ્વારા મામલાને સમેટવા માટે પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. તેમજ રાજ્ય કક્ષાના પ્રધાન અને સ્થાનિક ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પણ તલોદ દોડી આવ્યા હતા અને મામલાને થાળે પાડવા માટે પ્રયાસ શરુ કર્યો હતો. આજે શનિવારે આખરે મામલો થાળે પડતા સ્થાનિક સંગઠને રાહતનો શ્વાસ લીધો હતો. ભાજપ સંગઠનના જિલ્લા પ્રભારી ભરત આર્ય અને જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા બેઠક યોજીને આખરે સમાધાન કર્યુ હતુ.
જિલ્લા ભાજપ મહામંત્રીએ કહ્યુ હતુ કે, આ અંગે અમે બેઠક યોજી હતી અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. જે પ્રશ્નોનુ નિરાકરણ લાવવાની ખાતરી અમે આપી હતી જેને લઇને તેઓએ રાજીનામા પરત ખેંચવાની સહમતી દર્શાવી હતી.
પ્રભારી અને મંત્રીએ સાતેય સભ્યો સાથે હિંમતનગર ખાતે બેઠક યોજીને ખાતરી આપી હતી કે તેમના જે પ્રશ્નો છે તેને ઉકેલવા માટે પ્રયાસ કરવામાં આવશે. તેમજ પ્રાંતિજ નગર પાલિકાની માફક જ તલોદ પાલિકામાં શહેર સંગઠન પ્રભારી દર સોમવારે પાલિકા સભ્યો સાથે બેઠક યોજશે અને રુબરુ સંવાદ કરશે. જેથી પાલિકાની ગતિવીધીઓ અંગે રજ રજની વિગતો જિલ્લા સંગઠન પાસે પહોંચતી રહેશે તેમજ સમસ્યાઓનો ઉકેલ પણ સરળ બનશે.
રાજીનામુ ધરનારા અશોક શાહે કહ્યુ હતુ કે, અમારા જે પ્રશ્નો હતા એ ઉકેલાઇ જવાથી અમને રાહત છે અને અમે હવે અમારા રાજીનામા પરત ખેંચી લઇએ છે.
Published On - 4:55 pm, Sat, 5 February 22