એક તરફ ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે તેનો રોમાંચ પરાકાષ્ઠાએ હોય છે. વિશ્વકપમાં બંને દેશોની ટક્કર થવાને લઈ ટિકિટના ભાવ આસમાને હોય છે. ભારતમાં પણ માહોલ જબરદસ્ત છવાઈ જતો હોય છે. આ દરમિયાન પાકિસ્તાનમાં રમાતી ઘરેલૂ ક્રિકેટ ટૂર્નામેન્ટ પર ભારતમાં સટ્ટો રમાતો ઝડપાયો છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચને આ અંગેની બાતમી મળવાને લઈ PI એજી રાઠોડ અને PSI ડીસી પરમારની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે બે યુવકોને ઝડપી લઈને ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. બંને શખ્શો PSL ની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા. પોલીસ દ્વારા તેમના દ્વારા અન્ય બુકી કે પાકિસ્તાની સટ્ટોડીયાઓ સાથે સંપર્ક હોવા અંગેની દીશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી શકે છે. આમ પાકિસ્તાન સાથે તાર જોડાયેલા છે કે, કેમ એ દિશામાં તપાસ થઇ શકે છે.
ક્રિકેટના સટ્ટોડીયાઓ ક્રિકેટ ટૂર્નામેન્ટ શરુથતા જ ફૂટી નિકળતા હોય છે. તો વળી કેટલાક સટ્ટોડીયાઓ માટે જાણે કે કેટલાક ચોક્કસ દેશોની ટીમો વિશેષ પસંદ આવી જતી હોય એમ સટ્ટો રમાડતા હોય છે. આ દરમિયાન હિંમતનગર શહેરના ચાંદનગરમાં બે સટ્ટોડીયા યુવકો પાકિસ્તાનની ઘરેલૂ ક્રિકેટ ટૂર્નામેન્ટ પર સટ્ટો રમાડતા હોવાનું સામે આવ્યુ છે. પાડોશી પાકિસ્તાનમાં PSL 2024 ટૂર્નામેન્ટ તેના અંતિમ તબક્કામાં આગળ વધી રહી છે. આ દરમિયાન સાબરકાંઠા LCBને આ અંગેની બાતમી મળી હતી કે, પાકિસ્તાનમાં રમાતી ટૂર્નામેન્ટ પર સટ્ટો લાઇવ મેચ પ્રસારણ કરીને રમાડવામાં આવી રહ્યો છે.
જેને લઈ PI એજી રાઠોડ અને PSI ડીસી પરમારની ટીમે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યો હતો. શહેરના લઘુમતી વિસ્તાર ગણાતા ચાંદનગરમાં દરોડો પાડતા જ્યાંથી પોલીસે મકાન નંબર 384માંથી ક્રિકેટનો સટ્ટો ઝડપ્યો હતો. આરોપી એહતેશામ ઉર્ફે એડલી બસીરમીંયા સૈયદ પોતાના નવા મકાનમાં જ એક માણસને સાથે રાખીને સટ્ટો રમાડતો હતો.
પોલીસની ટીમે દરોડો પાડવા દરમિયાન બંને આરોપીઓ લાહોર ક્લંદર્સ અને કરાચી કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી મેચનો સટ્ટો રમાડતા હોવાનું જણાયું હતું. લાઈવ મેચ બંને આરોપીઓ મોબાઈલ ફોન વડે ચાલુ રાખીને તેના આધારે સટ્ટો લેવામાં આવતો હતો. તેમને કોણ કોણ સટ્ટો લખાવતું હતુ અને કેટલા લોકો તેમની સાથે ઓનલાઈન કે ફોનથી પીએસએલ મેચનો સટ્ટો લખાવતા હતા એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે.
એડલીની સાથે રહેલો આરોપી જૂનેદ ચૌહાણ મોબાઈલ ફોન વડે ઓવર દીઠ પૈસા લખવાના અને હવાલાથી ફોન દ્વારા પૈસા મેળવવાનું કામ કરતો હતો. જેને લઈ પોલીસે એડલી અને જૂનેદની ધરપકડ કરી હતી. બંને આરોપીઓએ પોતે પીએસએલ મેચ પર સટ્ટો રમાડતા હોવાની કબૂલાત કરી છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી 3 મોબાઈલ અને એક ટેબ્લેટ સહિત પાવર બેંક જપ્ત કરી છે. આ ઉપરાંત સટ્ટા માટેની અન્ય સ્ટેશનરી પણ જપ્ત કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.
Published On - 5:13 pm, Mon, 11 March 24