સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોટાભાગના તાલુકાઓમાં વરસાદ (Rainfall) નોંધપાત્ર નોંધાયો છે. ખાસ કરીને જિલ્લાના ઉપરવાસના ગણાતા તાલુકા પોશીના વિસ્તારમાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તલોદમાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી કેટલા વિસ્તારોમાં વરસાદનુ જોર જોવા મળી રહ્યુ છે. ખેડૂતો વરસાદને લઈ ખુશખુશાલ છે અને વાવણી માટે લાભકારક વરસાદ વરસી રહેતા આનંદ છવાયો છે. સાબરમતી અને પનારી નદીમાં પણ પાણી વરસાદને પગલે આવતા રાહત સર્જાઈ છે.
જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં શનિવારે મોડી સાંજે હળવા ઝાપટા કેટલાક વિસ્તારમાં વરસ્યા હતા. આ સિવાય શહેરમાં વરસાદ શૂન્ય નોંધાયો હતો. જોકે હિંમતનગરના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. મોડી રાત્રે પણ કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટા વરસ્યા હતા.
સૌથી વધારે વરસાદ સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકામાં નોંધાયો હતો. પોશીના તાલુકામાં 4 ઈંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસ્યો હતો. સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ શનિવારે મોડી સાંજ બાદ વરસ્યો હતો. રાત્રીના 8 થી 10 કલાકના અરસા દરમિયાન પોશીના વિસ્તારમાં આભ ફાટ્યુ હોય એમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર બે કલાકમાં જ સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ પહેલા સવારે ચાર કલાક દરમિયાન માહોલ વરસાદી રહ્યો હતો અને પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વિસ્તારમાં વરસાદને લઈ પોશીના વિસ્તારમાંથી પસાર થતી સાબરમતી, સેઈ અને પનારી નદીમાં નવા પાણીની આવક નોંધાઈ હતી.
તલોદમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બપોરના 2 વાગ્યાના અરસા દરમિયાન શરુ થયેલો વરસાદ 2 કલાકમાં 2 ઈંચ કરતા વધારે નોંધાયો હતો. તલોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પ્રાંતિજ વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પ્રાંતિજમાં શુક્રવારે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. શુક્રવારે તલોદના હરસોલ અને આસપસાના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાયા હતા.
ઉપરવાસ રાજસ્થાન અને ગુજરાત સરહદી વિસ્તારમાં વરસાદી માહોલને પગલે સાબરમતી નદીમાં પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત સાબરમતીની ઉપનદીઓ સેઈ અને પનારી નદીમાં પણ પાણીની આવક થવાને લઈ ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ હતી. ધરોઈમાં શનિવારે મધ્યરાત્રી બાદ પાણીની આવકમાં વધારો થવાની શરુઆત થઈ હતી. જે સવારે 5 કલાકના અરસા દરમિયાન વધીને 14,722 ક્યુસેક પર પહોંચી હતી. સવારે 8 કલાક સુધી આટલી આવક જળવાઈ રહી હતી. નવી આવકને લઈ ધરોઈની સપાટીમાં વધારો નોંધાયો હતો. હાલમાં ડેમની સપાટી 609 ફુટને વટાવી ચુકી છે.
Published On - 8:57 am, Sun, 2 July 23