
બનાસકાંઠા જિલ્લાના દાંતામાં જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન જેના તાર સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં ખૂલ્યા હતા. દાંતા અને ઇડરની પેઢીઓ વચ્ચે સરકારી અનાજ લે વેચ કરવામાં આવતું હોવાનું ખુલતા આ મામલે ઇડર માર્કેટયાર્ડમાં આવેલી સહકાર ટ્રેડિંગ, શાહ રતનલાલ પેઢી, ભારત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને નેશનલ ટ્રેડર્સ નામની પેઢીઓમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન પેઢીઓમાંથી મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો વેચાણ કરવા માટે સંગ્રહ કરેલો જણાઈ આવ્યો હતો. જેને લઈ સ્થાનિક ઇડર મામલતદારે આ મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સરકારી અનાજને ગરીબો સુધી પહોંચાડવાને બદલે બારોબાર જ વગે કરી દેવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવતી હોય છે. આવી જ રીતે બાતમી મળવાને લઈ બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી કિરીટ ચૌધરી અને તેમની ટીમ દ્વારા દાંતા તાલુકામાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન જેના તાર ઇડરમાં ખૂલ્યા હતા. જેને લઈ પાલનપુરની ટીમોએ ઇડરમાં દરોડો પાડ્યો હતો.
જેમાં સ્થાનિક અધિકારીઓ પણ દરોડાની તપાસમાં જોડાયા હતા. આ દરમિયાન ચાર પેઢીઓમાંથી સરકારી ચોખા, ઘઉં અને ચણાનો જથ્થો ઝડપાઈ આવ્યો હતો. જેમાં ચારેય પેઢીમાંથી 52,180 કિલોગ્રામ ચોખા, 1,00,800 કિલોગ્રામ ઘઉં અને 2089 કિલોગ્રામ ચણાનો જથ્થો ઝડપાયો હતો. જે જથ્થો જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે પીડીએસ હેઠળના વિતરણ થતા ચોખા સહિતનો ઝડપાઈ આવ્યો હતો. જે ફક્ત રાશનિંગના કાર્ડ ધારકોને જ સરકાર તરફથી આપવામાં આવે છે.
સરકારી અનાજ અને કઠોળનો જથ્થો ઝડપાઇ આવવાને લઈ ઇડર મામલતદાર વીઆર જોષીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 35.25 લાખ રુપિયાની કિંમતનો જથ્થો અને વાહનો જપ્ત કરીને ચાર પેઢીઓના સંચાલકો સામે ગુનો નોંધાવ્યો છે. જેમાં પીડીએસ કંટ્રોલ ઓર્ડર સહિત આવશ્યકત ચીજવસ્તુ સહિતની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
Published On - 9:35 am, Tue, 6 February 24