વર્લ્ડકપ ફાઇનલ મેચ-ભારત મેચ જીતે તે માટે રવિન્દ્ર જાડેજાના બહેને માનતા રાખી છે. રવિવારના રોજ અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાવા જઇ રહી છે.
આ મેચને લઇને દરેક ભારતીય ઉત્સાહિત છે અને સાથે સાથે ભારતીય ટીમ આ મેચ જીતે તેવી આશા રાખી રહ્યો છે ત્યારે ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ પણ ભારતીય ટીમ વર્લ્ડકપ જીતે તે માટે પ્રાર્થના કરી હતી અને રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન સર્વ શ્રેષ્ઠ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ટીવીનાઇન સાથેની વાતચીતમાં નયનાબા જાડેજાએ કહ્યું હતું કે વર્લ્ડકપ શરૂ થયો ત્યારથી જ ભારતીય ટીમનું પ્રદર્શન જોરદાર રહ્યું છે.રવિન્દ્ર જાડેજા બોલિંગ,ફિલ્ડીંગ અને બેટિંગમાં ધમાકેદાર પ્રદર્શન દેખાડ્યું છે.નયનાબાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ફાઇનલમાં પણ રવિન્દ્રનું સારૂ પ્રદર્શન રહેશે.અગાઉના મેચમાં રવિન્દ્રએ પાંચ વિકેટ લીધી હતી ત્યારે ફાઇનલમાં પણ પીચ સાથ આપશે તો તેનું બેસ્ટ પરફોર્મન્સ દેખાડશે તેવી આશા વ્યક્ત કરી હતી.
વધુમાં નયનાબા જાડેજાએ કહ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વર્લ્ડકપ ભારત માટે ખાસ છે.ભારત અત્યાર સુધીમાં એકપણ મેચ હાર્યું નથી અને તેનું કારણે ભારતીય ટીમ એક બનીને જે રીતે રમી રહી છે તે છે.નયનાબાએ દાવો કર્યો હતો કે ટીમના દરેક ખેલાડી ફોર્મમાં છે જેના કારણે આ વર્લ્ડકપ ભારતીય ટીમ જીતશે તેમાં કોઇ શંકા નથી.માત્ર જીત નહિ પરંતુ સારા ઇકોનોમિક રેટ સાથે આપણે વિજેતા બનીએ તેવી આશા છે.
આ પણ વાંચો : રાજકોટ વીડિયો : જસદણ પંથકમાં કાર ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત, બે લોકો સારવાર હેઠળ
ભારત દેશ આસ્થા સાથે જોડાયેલો દેશ છે ત્યારે ટીમ ભારતની જીત માટે ક્રિકેટ પ્રેમીઓ દ્રારા માનતા રાખવામાં આવે છે. રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ પણ માનતા રાખી છે. નયનાબા જાડેજાએ કહ્યું હતું કે જ્યારે વર્લ્ડકપમાં રવિન્દ્રની પસંદગી થઇ ત્યારથી હું માતાજીને પ્રાર્થના કરી રહી હતી. વર્લ્ડકપમાં રવિન્દ્રનું પરફોર્મનસ સારૂ રહે. એક ખેલાડી તરીકે રવિન્દ્રનો ડંકો વાગે તે માટે પ્રાર્થના કરી હતી તે પ્રાર્થના પુરી થઇ છે. હવે ફાઇનલ મેચ છે તે માટે મેં માનતા રાખી છે. ભારતીય ટીમનું પ્રદર્શન જોરદાર રહે તેવી માતાજીને પ્રાર્થના કરી છે.
Published On - 6:18 pm, Fri, 17 November 23